દોઢ વર્ષની દીકરીના હત્યારા પિતાની જામીન અરજી ફગાવાઈ:બીજાની દીકરી હોવાનો વહેમ રાખી હત્યા કરી, ફરિયાદી માતાએ કહ્યું-'જામીન મળે તો વાંધો નહીં', અમને વાંધો: હાઇકોર્ટ
તાપીમાં પિતાએ પોતાની દોઢ વર્ષની દીકરીને પોતાની દીકરી ન હોવાના વહેમમાં પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ બાદ તેણે તાપી કોર્ટ અને ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, તપાસમાં આરોપીને વારંવાર ખેંચ આવતી હોવાથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું ખુલ્યું હતું. જેથી ફરિયાદી પત્ની અને તેના વકીલે આરોપીને જામીન આપવામાં કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું, જ્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે, જામીન મળે તો અમને વાંધો છે. દોઢ વર્ષની માસૂમની પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી નાખી
ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં તાપીના સોનગઢ પોલીસ મથકે 21 વર્ષીય પરિણીત યુવતીએ અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેની દોઢ વર્ષની દીકરીને કોઈએ ઘરમાંથી ઉંચકીને તેના ઘરની સામેના આવેલા ધાબા ઉપરના પાણીના ટાંકીમાં ડુબાડીને તેની હત્યા કરી નાખી છે. બનાવના દિવસે ફરિયાદીના સસરાએ તેને પૂછ્યું હતું કે, તેની દોઢ વર્ષની પૌત્રી ક્યાં છે ? જે ઘરમાં મળી નહીં આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી. હત્યા કરનાર દીકરીનો પિતા હોવાનું સામે આવ્યું
ત્યારે ફરિયાદીના ઘરના સામેના ધાબાના માલિકે ઉપર જઈને પાણીની ટાંકી ચેક કરતા તેમાં ફરિયાદીની દોઢ વર્ષની દીકરી મરણ ગયેલી જણાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા હત્યા કરનાર દીકરીનો પિતા હોવાનું સામે આવ્યું હતું, જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ખરેખરમાં પિતાને વહેમ હતો કે આ દીકરી તેની નથી. આથી દીકરી જ્યારે ઊંઘતી હતી ત્યારે પિતાએ તેને સામેના ઘરના મકાન પર આવેલ પાણીના ટાંકીમાં ડુબાડીને તેની હત્યા કરી નાખી હતી. હાઈકોર્ટે જામીન અરજીમાં અમને વાંધો છે કહી અરજી ફગાવી
ચાર્જશીટ બાદ આરોપી પિતાએ તાપી કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં જણાવાયું હતું કે, તે માનસિક રીતે અસ્વસ્થ છે તેને વારંવાર ખેંચ આવે છે. આથી તેને જામીન આપવા જોઈએ. બીજી તરફ ફરિયાદી એટલે કે મૃતક દીકરીની માતા અને આરોપીની પત્ની વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, જો આરોપીને જામીન મળે તો તેને કોઈ વાંધો નથી. જો કે કોર્ટે જણાવ્યું હતું કે, વાંધો અમને છે. આમ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવવાનું વલણ ધરાવતા અરજી પરત ખેંચવામાં આવી હતી.
