Divya Bhaskar Gujarat

દુષ્કર્મના આરોપી વિશાલ મોદી સામે પીડિતાની રજૂઆત:હથિયાર લાયસન્સ રદ કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ

Published: November 20, 2025 • Language: English

જામનગરમાં દુષ્કર્મના આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદીની તાત્કાલિક ધરપકડ કરવા, તેમનું હથિયાર લાયસન્સ રદ કરવા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવા પીડિતાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત કરી છે. આ કેસ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીડિતાની અરજી મુજબ વિશાલ મોદી પ્રોપર્ટી બતાવવાના બહાને પીડિતાને જામનગરના આર્યભગવતી વીક એન્ડ વિલામાં લઈ ગયા હતા. ત્યાં તેમને કેફી પીણું પીવડાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મની અંગત પળોના ફોટા અને વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીઓના આધારે આરોપી વિશાલ મોદીએ ભોગ બનનાર સાથે સતત બે વર્ષ સુધી અનેક વખત શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ધરપકડથી બચવા નાસતા-ફરતા આરોપી વિશાલ મોદીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જે નામદાર કોર્ટે નામંજૂર કરી છે. આરોપી હજુ પણ નાસતો-ફરતો છે અને પોલીસે તેની ધરપકડ કરી નથી. પીડિતાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે આરોપી ગન ધરાવે છે અને કમરે હથિયાર લટકાવીને જાહેરમાં ફરે છે. ફરિયાદમાં આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે. પીડિતાએ ભય વ્યક્ત કર્યો છે કે જો આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો પીડિતા અને તેના પરિવારની જાનની સલામતી નથી. તેથી, જો આરોપી પાસે ગનનું લાયસન્સ હોય તો તે તાત્કાલિક અસરથી રદ કરવા અને જો લાયસન્સ ન હોય તો આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા પીડિતાએ લેખિતમાં માંગ કરી છે.

Read more

← Back to Home