ઝુલેલાલ ભગવાન પર અભદ્ર ટિપ્પણીથી સિન્ધી સમાજમાં આક્રોશ:છત્તીસગઢના નેતા અમિત બધેલ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર
ગાંધીધામ સ્થિત સિન્ધી યુવા શક્તિ ટ્રસ્ટ દ્વારા છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બધેલ વિરુદ્ધ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. સિન્ધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગત 26 ઓક્ટોબરે અમિત બધેલે સોશિયલ મીડિયા પર સિન્ધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અને સમગ્ર સિન્ધી સમાજ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે ઝુલેલાલ ભગવાનનું અપમાન કરવા ઉપરાંત, સિન્ધી સમાજ અને અન્ય મહાપુરુષોને ‘પાકિસ્તાની સિન્ધી’ કહીને સંબોધિત કર્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ કાલુભાઈ ભાનુશાલીએ આવેદનપત્રમાં જણાવ્યું કે અમિત બધેલનું આ કૃત્ય સિન્ધી સમાજને ક્યારેય સ્વીકાર્ય નથી. આ ટિપ્પણીઓ તેમની દુરભાવના અને નિમ્ન માનસિકતા દર્શાવે છે. સિન્ધી સમાજ ભારતમાં વસીને મહેનત અને ઈમાનદારીથી ધંધા-રોજગાર કરે છે. તેઓ ભારતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ માને છે. સમાજે હંમેશા જાતિ કે ધર્મના ભેદભાવ વગર અન્ય તમામ ધર્મો અને મહાપુરુષોને આદરપૂર્વક સન્માન આપ્યું છે. ટ્રસ્ટ દ્વારા ભારપૂર્વક જણાવાયું છે કે, અમિત બધેલ દ્વારા ઉપયોગમાં લેવાયેલી અપમાનજનક, નિંદનીય અને ભડકાઉ ભાષાથી સમગ્ર સિન્ધી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થાને ઊંડો આઘાત પહોંચ્યો છે. આ મામલે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.
