ઝઘડિયામાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન:ખેડૂતો અને કોંગ્રેસ સમિતિએ નાયબ કલેકટરને યોગ્ય વળતરની રજૂઆત કરી
ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો અને ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર સુપરત કરી યોગ્ય વળતરની માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને લીધે મગફળી, કપાસ અને ડાંગર સહિતના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતાં તેમની આર્થિક સ્થિતિ કથળી છે. તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાક નુકસાની માટે જાહેર કરાયેલી સહાય યોજના હેઠળ માત્ર 30 થી 35 ટકા જ વળતર ચૂકવવામાં આવે છે, જે અપૂરતું છે. તેમણે સરકારને વહેલી તકે સર્વે હાથ ધરી તમામ અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર આપવા અને પાક માટે લોન લીધેલા ખેડૂતોની લોન માફ કરવા રજૂઆત કરી હતી. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલ, ધનરાજ વસાવા સહિતના તાલુકા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોએ સરકાર તાત્કાલિક અસરથી મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
