ગોધરાના વિજયકુમારે રાજ્ય MMA ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો:વડોદરામાં યોજાયેલી છઠ્ઠી ગુજરાત રાજ્ય સ્પર્ધામાં બીજો ક્રમ મેળવ્યો
ગોધરાના યુવાન સોલંકી વિજયકુમાર જશવંતસિંહે વડોદરા ખાતે યોજાયેલી છઠ્ઠી ગુજરાત રાજ્ય મિક્સ માર્શલ આર્ટ (MMA) ચેમ્પિયનશિપમાં દ્વિતીય ક્રમ (સિલ્વર મેડલ) મેળવી પંથકનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધાનું આયોજન ‘ધ ડોજો મિક્સ માર્શલ આર્ટ અને ફિટનેસ જીમ’ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં રાજ્યભરના યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગોધરા તાલુકાના લાકોડના મુવાડા ગામના વિજયકુમારે MMA ચેમ્પિયનશિપમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. વિજયકુમારની આ સફળતા પાછળ તેમના ગામના કોચ જયદીપસિંહ ચૌહાણનું યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મુખ્ય રહી છે. કોચ જયદીપ ચૌહાણે તેમને MMA સ્પર્ધા માટે તૈયાર કરીને યોગ્ય દિશા આપી હતી, જેના પરિણામે તેમને રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં બીજો નંબર મળ્યો. સોલંકી વિજયકુમારે આ પહેલા પણ બોક્સિંગ સ્પર્ધાઓમાં અનેક વખત સ્થાન મેળવ્યું છે. ફરી એકવાર આ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવતા તેમના ગામ લાકોડના મુવાડા સહિત સમગ્ર વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ગ્રામજનોએ વિજયકુમારને તેમના ભવિષ્ય માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
