ગોતામાં પિસ્તોલ-કારતૂસ સાથે બે યુવકોની ધરપકડ:SOGએ 23 હજારના ગાંજા અને 45 હજારની સોલ્યુશનની ટ્યુબ સાથે બેને ઝડપ્યા, ચાંદખેડામાં રિક્ષામાંથી 150 કિલો ગૌમાસનો જથ્થો મળ્યો
એસઓજીને બાતમી મળી હતી કે સરસપુર મીટરગેજ રોડ પાસે આવેલા ગીરધર માસ્ટર કંપાઉન્ડમાં લતીફ શેખ તેના મિત્ર ફરદીન સૈયદ સાથે મળીને ગાંજાનું વેચાણ કરે છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લતીફ શેખ તેમજ ફરદીન સૈયદની અયકાયત કરી લીધી હતી. લતીફ શેખ પાસેથી એસઓજીને ટ્યુબનું સોલ્યુશન તેમજ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ટ્યુબનું સોલ્યુશન બજારમાં આસાનીથી વેચાય છે પરંતુ લતીફ તે નશેડીઓને નશો કરવા માટે વેચતો હતો.એસઓજીએ આ મામલે લતીફ અને તેના સાગરીત ફરદીનની ધરપકડ કરી છે.લતીફની પૂછપરછમાં સામે આવ્યું કે તે ગાંજાનો જથ્થો સુરતથી લાવ્યો હતો.લતીફ પાસેથી 23 હજારનો ગાંજો અને 45 હજારની સોલ્યુશનની ટ્યુબો મળી આવી છે. ચાંદખેડામાં રિક્ષામાંથી 150 કિલો ગૌ માસનો જથ્થો મળ્યો
ચાંદખેડા પોલીસે બાતમીના આધારે ચાંદખેડા ચાર રસ્તાથી આગળ શિવ શક્તિ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષાને રોકી હતી. રિક્ષા રોકતા જ રિક્ષાચાલક રિક્ષા મૂકીને નાસી ગયો હતો. પોલીસે તપાસ કરતા રિક્ષામાંથી થેલામાં 150 કિલો ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે એફ.એસ.એલની ટીમ બોલાવીને તપાસ કરી હતી. ફરાર રિક્ષાચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે ગૌ માસનો જથ્થો અને રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્વસ્તિક ચાર રસ્તા પાસે ડોમિનોઝ પિઝામાંથી 1.21 લાખ અને ડીવીઆરની ચોરી
અમદાવાદના પાનકોર નાકા પાસે રહેતા સોહીલ મનસૂરીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા ડોમિનોઝ પિઝામાં મેનેજર તરીકે નોકરી કરે છે.27 ઓક્ટોબરના રોજ તે રેસ્ટોરન્ટ ખાતે આવ્યા ત્યારે ડીવીઆર ગાયબ હતું.લોકરમાં જે જમા થયેલી સિલક મૂકી હતી તે 1.21 લાખ રૂપિયાની સિલક ગાયબ હતી.રેસ્ટોરન્ટમાં રાતના સમયે કોઈ ચોર પ્રવેશીને રોકડા અને સીસીટીવીનું રેકોર્ડિંગ ના થાય તે માટે ડીવીઆર સાથે લઈ ગયો છે.આમ કુલ 1.24 લાખ રૂપિયાની ફરિયાદ નોંધાવતા નવરંગપુરા પોલીસ તથા શરૂ કરી છે. પિસ્તોલ-કારતૂસ સાથે બે યુવકોની ધરપકડ
સોલા પોલીસે બાતમીના આધારે ઘોડા સર્કલ ગોતા પાસેથી આકાશ જાદોન અને અનુજસિંગ ચૌહાણ નામના બે યુવકની ધરપકડ કરી હતી.યુવકની તપાસ કરતા તેમની પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા.પોલીસે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે બંને યુવકો છોટુ ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી પિસ્તોલ ખરીદીને લાવ્યા હતા.બંને યુવકો પિસ્તોલ વેચવા માટે ફરી રહ્યા હતા.આ દરમિયાન જ પોલીસે તેમની ધરપકડ કરી હતી.પોલીસે કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
