Gujarati News

ગુજરાતમાં સૌપ્રથમ અનોખો કાર્યક્રમ:રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવનાર 200 શ્રેષ્ઠ આચાર્યોનું રાજકોટ ખાતે ભવ્ય સન્માન કરાશે, 16000 કરતા વધુ શાળામાંથી કરાઈ છે પસંદગી

Published: November 7, 2025 • Language: English

ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસો. દિલ્હી, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત અને રાજકોટ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એક અનોખા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. શિક્ષણના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર ગુજરાતની 16000થી વધુ ખાનગી શાળાઓમાંથી પસંદગી પામેલા આશરે 200 જેટલા શ્રેષ્ઠ આચાર્યોને સન્માનિત કરવા માટેનો એક ભવ્ય સમારોહ આગામી 29 નવેમ્બર 2025ના રોજ રાજકોટના કાલાવડ રોડ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાશે. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ પુરષોત્તમ રુપાલાને આમંત્રિત કરવામાં આવશે. એવોર્ડ સમારોહનો મુખ્ય ઉદ્દેશ આ અંગે ગુજરાત મહામંડળના પ્રમુખ જતિનભાઇ ભરાડએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ આચાર્યોને એવોર્ડથી સન્માનિત કરવાનો મુખ્ય ઉદ્દેશ તેઓના ઉત્કૃષ્ટ કાર્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અપાર યોગદાનની સરાહના કરવાનો છે. આ એવોર્ડ માત્ર એક સન્માન નથી, પરંતુ તે સમગ્ર શિક્ષણ ક્ષેત્રે પ્રેરણા અને ઉત્સાહ લાવવાનું કાર્ય કરશે. આચાર્યોનું કાર્ય માત્ર શિક્ષણ આપવાનું જ નથી, પરંતુ શાળાનું સુચારુ સંચાલન કરી શિક્ષકો-વિદ્યાર્થીઓ અને વાલીઓના દ્રષ્ટીકોણને સમજી સચોટ નિર્ણયો લઈને શિક્ષણ જગતના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જવાબદારીનું નિર્વાહન કરવાનું હોય છે. ટૂંકમાં, આચાર્ય શાળા અને સમાજ વચ્ચેનો એક મહત્વપૂર્ણ સેતુ છે, અને તેમના આ યોગદાનને બિરદાવવું અત્યંત આવશ્યક છે. શ્રેષ્ઠ આચાર્યની પસંદગીના માપદંડો સેવા અને નેતૃત્વ: આચાર્ય તરીકેની સેવા અને તેમના નેતૃત્વ હેઠળ શાળાના વિકાસની સફર. વિદ્યાર્થી પ્રદર્શન: નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં સુધારો અને છેલ્લા 3 વર્ષના બોર્ડના પરિણામો. શિક્ષક સશક્તિકરણ: શિક્ષકોને સક્ષમ બનાવવા માટે તાલીમ, માર્ગદર્શન, મૂલ્યાંકન અથવા પ્રોત્સાહન જેવા પગલાં. સર્વાંગી વિકાસ: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, કલ્યાણ અને સુરક્ષાને લગતી યોજનાઓ. ટેક્નોલોજી અને નવીનતા: શિક્ષણ અથવા વહીવટમાં ટેક્નોલોજીનો ઉપયોગ, નવી પદ્ધતિઓ કે નવીન પ્રયોગો. સામાજિક જોડાણ: વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજ સાથેના જોડાણ અથવા સામાજિક જવાબદારીની પહેલ. સકારાત્મક વાતાવરણ: શાળામાં સકારાત્મક, મૂલ્યઆધારિત અને સર્વસમાવેશી વાતાવરણ જાળવવા માટે લીધેલી પહેલ. સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ: તેમના નેતૃત્વ હેઠળ રમતગમત, કલા અથવા અન્ય સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હાંસલ થયેલ સિદ્ધિઓ. શાળાની સિદ્ધિઓ: શાળાએ મેળવેલા પુરસ્કારો, માન્યતાઓ અથવા વિશિષ્ટ સિદ્ધિઓ. એજ્યુકેશન એક્સલન્સ કોન્કલેવ અને વિચારમંથન શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કાર સમારોહની સાથે જ એજ્યુકેશન એક્સલન્સ કોન્કલેવનું પણ આયોજન કરવામાં આવશે. આ કોન્કલેવ અંતર્ગત શૈક્ષણિક જગતના માંધાતાઓની ઉપસ્થિતિમાં વિચારોનું આદાન-પ્રદાન તેમજ શિક્ષણ જગતના પ્રશ્નો પર વિચારમંથન સત્રોના પણ આયોજન કરવામાં આવશે. આ સત્રોમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો અને શૈક્ષણિક નીતિ નિર્માતાઓ એકત્ર થઈને વિચારોની આપલે કરશે. આનાથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ શોધવા પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરવાની તક મળશે. આ એકેડમિક કોન્કલેવનો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વર્તમાન પડકારોનો ઉકેલ લાવવા માટે એક મંચ પૂરો પાડવાનો છે.

Read more

← Back to Home