ગુજરાતમાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ 20 નવેમ્બરે યોજાશે:CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થશે ઓનલાઈન જનફરિયાદ નિવારણ
રાજ્ય સરકાર દ્વારા દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ નવેમ્બર મહિનામાં ગુરુવાર, 20 નવેમ્બર 2025એ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની વિવિધ રજૂઆતો અને ફરિયાદોનું ઓનલાઈન નિવારણ કરવામાં આવશે. વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદોને ઝડપી અને પારદર્શક રીતે નિકાળવાનો છે. ત્યારથી દર મહિને રાજ્ય સ્વાગતનું આયોજન થઈ રહ્યું છે અને નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે. નવેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરુવાર, 20 નવેમ્બરના રોજ યોજાશે. નાગરિકો પોતાની રજૂઆતો કરવા માટે એજ દિવસ સવારે 8.30 થી 11.30 વચ્ચે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ મળી શકશે. રાજ્ય સરકારનું માનવું છે કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોની સમસ્યાઓને ઝડપી રીતે સાંભળી તેનું સમાધાન કરવામાં સરળતા રહે છે તથા શાસન વધુ જનકેન્દ્રિત બને છે.
