Gujarati News

ગીર સોમનાથમાં PGVCLની વીજચેકિંગ ઝુંબેશથી વીજચોરોમાં ફફડાટ:532 જોડાણોની તપાસમાં 159માં ગેરરીતિ પકડાઈ, રૂ.35.65 લાખનો દંડ ફટકારાયો

Published: November 4, 2025 • Language: English

ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી રોકવા માટે એક વ્યાપક વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. રાજકોટની વડી કચેરીના માર્ગદર્શન હેઠળ વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલા તાલુકાના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ (વર્તુળ કચેરી, જૂનાગઢ) અને કાર્યપાલક ઈજનેર જી. બી. વાઘેલા (વિભાગીય કચેરી, વેરાવળ) દ્વારા અપાયેલી માહિતી મુજબ, એસ.આર.પી. અને પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત સાથે ઈજનેરોની કુલ 25 ટીમોએ કામગીરી કરી હતી. આ ટીમોએ રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડી સહિતના કુલ 532 વીજજોડાણોની ચકાસણી કરી હતી. ચકાસણી દરમિયાન, 159 જોડાણોમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ મળી આવી હતી. આ ગેરરીતિઓ બદલ કુલ રૂ. 35.65 લાખના દંડની આકારણી કરીને બિલ ફટકારવામાં આવ્યા હતા. પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ વીજચેકિંગ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવવામાં આવશે. આ કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સઘન વીજ ચેકિંગ વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના સુંદરપારા, નાખાડા, કુક્રાસ, બોલાસ, વિરોદર, લાખાપરા, ઘંટીયા, સોનારીયા, મેઘપુર, કાજલી, બીજ, બદલપારા, અજોઠા, નવાપરા, દારી, છત્રોડા, નવદ્રા, પાંડવા, ઈન્દ્રોઈ, ઈશ્વરીયા, ભેરાલા, મંડોર, સત્તા બજાર, બસ સ્ટેન્ડ, ખડખડ, આરબ ચોક, ત્રુક ચોરા, ભરકોટ, મોચી બજાર, ઝાલેશ્વર, તાલાલા, ગલીયાવાડ, વિરપુર, બોરવાવ, સાંગોદ્રા, ચિત્રોડ, ભોજડે, ગુંદરન, જામ્બુર, રામપરા, મથાસૂરિયા, કોડીદરા, ગુણવંતપુર, ભેટાલી, આનંદપરા, વિઠ્ઠલપુર, વડલા, સેમાલિયા, રાયડી, પીખોર, જવંત્રી, જમલપરા, અજમેરી સોસાયટી, બાગે રહેમત, બાગે યુસુફ, મિસ્કિંશા અને સંત કૌશર શાળા જેવા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું.

Read more

← Back to Home