Gujarati News

ખંભાળિયામાં પેટકોક કોલસામાં ભેળસેળનું કૌભાંડ:8 શખ્સોની અટકાયત, મુખ્ય આરોપીના 3 દિવસના રિમાન્ડ પર; લોડર અને 5 ટ્રકો સાથે 67.50 લાખનો મુદ્દામાલ જપ્ત

Published: November 7, 2025 • Language: English

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-જામનગર માર્ગ પર આવેલા કારખાનામાં પેટકોકમાં ભેળસેળ કરવાના કૌભાંડમાં દેવભૂમિ દ્વારકા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે, જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે આ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને કોલસા સહિત કુલ 67.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 8 શખ્સોની સંડોવણી ખુલી છે. શું છે સમગ્ર કૌભાંડ?
આ કૌભાંડ નયારા કંપનીમાંથી સુત્રાપાડા સ્થિત જી.એચ.સી.એલ. કંપનીમાં ઉચ્ચ ગુણવત્તાવાળો પેટકોક પહોંચાડવાના કરાર સાથે સંકળાયેલું છે. રાણાવાવની સમીર ટ્રાન્સપોર્ટ કંપનીને આ કરાર મળ્યો હતો. ગત 19 સપ્ટેમ્બરના રોજ, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ખંભાળિયાના કંચનપુર વિસ્તારમાં આવેલી સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ટ્રકમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા પેટકોકમાં ઓછી કિંમતનો હલકી ગુણવત્તાવાળો રફ કોલસો ભેળવવામાં આવી રહ્યો છે. ટ્રક દીઠ 6થી 7 ટન જેટલા કોલસાની ભેળસેળ કરી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે મુખ્ય સૂત્રધાર આકાશ એન્ટરપ્રાઇઝના માલિક દિલીપ લખમણ ઓડેદરાએ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના માલિક હિતેશ નકુમ અને વહીવટકર્તા ભાવિક કણજારીયા સાથે મળીને ડ્રાઇવરોની મદદથી આ કૌભાંડ આચર્યું હતું. આરોપીઓએ આયોજનબદ્ધ રીતે ટ્રક દીઠ છ થી સાત ટન જેટલા કોલસાની ભેળસેળ કરીને કંપનીને હલકી ગુણવત્તાવાળો જથ્થો પહોંચાડ્યો હતો, જેનાથી તેમને ટ્રક દીઠ એક લાખથી વધુનો ગેરલાભ થયો હતો. 8ની અટકાયત, મુખ્ય આરોપીના 3 દિવસના રિમાન્ડ પર
જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ, એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની ટીમે સી.સી.ટી.વી. ફૂટેજ અને કોલ ડિટેઈલના આધારે આઠેય આરોપીઓની અટકાયત કરી હતી. મુખ્ય સૂત્રધાર દિલીપ ઓડેદરાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે આર્થિક વ્યવહારો અને અન્ય સંડોવાયેલા શખ્સોની તપાસ માટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે દળેલા પેટકોક, રફ કોલસો, પાંચ ટ્રક, જી.પી.એસ. મશીન અને મોબાઇલ ફોન સહિત કુલ 67,50,627નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણની વધુ તપાસ એલ.સી.બી. દ્વારા ચાલી રહી છે.

Read more

← Back to Home