Gujarati News

કમોસમી વરસાદથી પાક નુકસાન:કોંગ્રેસે ખેડૂતો માટે દેવા માફી, રાહત પેકેજની માંગ કરી

Published: November 4, 2025 • Language: English

રાપર અને ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ અને દેવા માફીની માંગ કરી છે. આ અંગે રાપર મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. રાપર કોંગ્રેસ સમિતિ દ્વારા દેના બેંક ચોક ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન “જય જવાન, જય કિસાન” અને “તાયફા બંધ કરો, ખેડૂતોના લેણા માફ કરો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાપર તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા.રાપરના કોંગી આગેવાન ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની મહેનત છતાં પાક નુકસાન સમયે તેમને વળતર માટે સંઘર્ષ કરવો પડે છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર સર્વેના નામે ખેડૂતોને પરેશાન કરી રહી છે, જ્યારે નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આરેઠીયાએ ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે ખેડૂતો પર થયેલા દમનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાસાયણિક ખાતરની અછત અને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. તેમણે મનમોહનસિંહ સરકાર દ્વારા 78,000 કરોડ રૂપિયાના દેવા માફીનો દાખલો આપી વર્તમાન સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા પર સવાલ ઉઠાવ્યા હતા. રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ભાજપે સત્તામાં આવતા પહેલા ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવાનું વચન આપ્યું હતું, પરંતુ સમસ્યાઓમાં વધારો થયો છે. તેમણે ખેડૂતોને નિયમ વિરુદ્ધ નેનો યુરિયા લેવા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.

Read more

← Back to Home