Gujarati News

કચ્છ કડવા પાટીદાર સમાજની પહેલ,વરરાજાઓને હેલ્મેટ વિતરણ:માર્ગ સુરક્ષા માટે સમૂહલગ્નમાં સંકલ્પ લેવાયો

Published: November 3, 2025 • Language: English

દેશભરમાં ટુવ્હીલર્સના અકસ્માતોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે માર્ગ સુરક્ષાના સંદેશ સાથે કચ્છ કડવા પાટીદાર સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં વરરાજાઓને હેલ્મેટ ભેટ આપી, તેમને હેલ્મેટ પહેરવાનો દ્રઢ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ અમદાવાદ ઝોન દ્વારા સોલા ઉમિયા કેમ્પસ ખાતે ૧૪મો સમૂહલગ્નોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે સમાજના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ, અગ્રણીઓ, દાતાઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ લગ્ન મંડપમાં લગ્ન માટે સાત ચોળી બનાવવામાં આવી હતી. અહીં સમૂહલગ્નમાં ભાગ લેનાર સાત વરરાજાઓ અને જાનૈયાઓનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું. સાત દંપતિએ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ કરીને દામ્પત્ય જીવનનો શુભારંભ કર્યો હતો. મા કુળદેવી ઉમિયા માતાજી અને વડીલોના આશીર્વાદ સાથે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક 14મો સમૂહલગ્નોત્સવ સંપન્ન થયો. કચ્છ કડવા પાટીદાર સમાજના દાનેશ્વરી દાતાઓએ નવદંપતિઓને જીવન નિર્વાહ માટેની વિવિધ વસ્તુઓનું દાન કર્યું હતું. આ સમૂહલગ્નોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ, દેખાદેખી અને દંભને અટકાવવાનો છે. તેમજ ખોટી પરંપરાઓ બંધ થાય અને લગ્નોત્સવમાં ધાર્મિક પરંપરાઓ, સામાજિક શિસ્ત અને સંયમ જળવાઈ રહે તે માટે સમાજ લોકોને તેમના દીકરા-દીકરીઓના લગ્ન સમૂહલગ્નમાં કરાવવા પ્રેરિત કરે છે.

Read more at source

← Back to Home