આણંદમાં બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ ટીમનો સિલેક્શન કેમ્પ યોજાયો:44 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો, સિલેક્ટ થનાર ખેલાડીઓ ઓડિશામાં રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
વલ્લભ વિદ્યાનગર ખાતે સેતુ ટ્રસ્ટ અને ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના સહયોગથી બે દિવસીય બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 44 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમની પસંદગી કરવાનો હતો. આ ટીમ ઓડિશા ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે લાંભવેલ હનુમાનજી મંદિરના ટ્રસ્ટી વિષ્ણુભાઈ ઠાકર, સામાજિક કાર્યકર પિનલભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં આણંદના ડીવાયએસપી રિપ્તીબેન ગુપ્તે, ક્રિષ્ના રિસોર્ટ, વાસદના પાર્થભાઈ પટેલ, નારાયણ ડેવલોપર્સના અલ્કાબેન પટેલ, મીનાબેન પટેલ, વિનલ ડિઝાઇનર સ્ટુડિયો, આણંદના વિનલબેન પટેલ, આનલબેન પટેલ, ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ શાહરુખ શેખ અને જોઈન્ટ સેક્રેટરી નરેશકુમાર તુમરાનો સમાવેશ થાય છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સેતુ ટ્રસ્ટના સ્થાપક અને જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ, ખજાનચી ચિરાગભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટી રાધાબેન પટેલ, રાખીબેન શાહ, કૌશલભાઈ પટેલ, જયભાઈ પાનસેરિયા, વ્રજ પટેલ, સેતુ યુવા ગ્રુપના ચેરમેન વંદન કળથીયા તેમજ સેતુ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
