હિટ એન્ડ રનમાં યુવકનું મોત, એકની ઈજા:ઓઢવ રિંગ રોડ પર ડમ્પરચાલક મોપેડ સવાર બે ભાઈને ટક્કર મારી ફરાર; 10 વર્ષના પુત્રએ પિતા ગુમાવ્યાં
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર 9 નવેમ્બરની મોડીરાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોપેડ લઈને જઈ રહેલા બે ભાઈને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા બંને જમીન પર પટકાયા હતા, જેમાં મોપેડચાલક યુવકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે. અન્ય મોપેડ સવાર યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મોપેડને ટક્કર માર્યા બાદ ડમ્પરચાલક ફરાર
ઓઢવમાં રહેતો ગોવિંદ પરમાર નામનો યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત મોડીરાતે ગોવિંદભાઈ તેમના પિતરાઈ ભાઈ શૈલેષ સાથે એક્સેસ પર કઠવાડા ચોકડીથી નીકળી ઘર જતા હતા. ગોવિંદભાઇએ એક્સેસ ચલાવી રહ્યા હતા, ત્યારે ઓઢવ રિંગ રોડ પાસે પહોંચતા ડમ્પરચાલકે એક્સેસને પૂરઝડપે ટક્કર મારી હતી. અકસ્માત કરીને ડમ્પરચાલક ડમ્પર લઈને સિંગરવા તરફ નાસી ગયો હતો. મોપેડ ચાલકને ગંભીર ઈજા થતાં સ્થળે જ મોત
અકસ્માતમાં ટક્કર વાગતા ગોવિંદભાઈ અને શૈલેષ નીચે પટકાયા હતા. અકસ્માતમાં ગોવિંદભાઈને શરીરના ભાગે અને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે શૈલેષને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક ગોવિંદના પરિવારમાં પત્ની અને 10 વર્ષનું બાળક છે. અકસ્માતમાં 10 વર્ષના પુત્રએ પોતાના પિતા ગુમાવ્યા છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
