News For India – Gujarat
Loading…

હિંમતનગરમાં ₹2.57 લાખના દારૂ સાથે બે ઝડપાયા:મોતીપુરા ઓવરબ્રિજ પરથી રાજસ્થાનથી લવાતો દારૂ જપ્ત, છ સામે ગુનો

સાબરકાંઠા LCBએ હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલા રૂ. 2.57 લાખના વિદેશી દારૂ સાથે કારચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ. 7.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મોતીપુરા ખાતે મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની કાર આવતા તેને રોકવામાં આવી હતી, જેમાં ચાલક સહિત બે શખ્સો સવાર હતા. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 2,57,906 ની કિંમતની વિદેશી દારૂની 178 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5,00,000 ની સ્વીફ્ટ કાર અને રૂ. 10,000 ના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,67,906 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં (1) શંકર સ/ઓ હોમાજી લખમાજી ડામોર (મીણા), મૂળ રહે. વેસાકીયા (આંજણી ગામ પંચાયત), તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) અને હાલ રહે. અગડ, પીપલા ખૂણા ફળો, તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) તથા (2) કાળુ સ/ઓ નારૂજી કાલીયાજી બુંજ (મીણા), રહે. અગડ, પીપલા ખૂણા ફળો, તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) નો સમાવેશ થાય છે. આ ગુનામાં અન્ય ચાર આરોપીઓ ફરાર છે. જેમાં (1) પ્રકાશ કલાલ, રહે. રાજસમંદ (જેણે મુદ્દામાલ ભરી આપ્યો હતો અને પાયલોટિંગ કર્યું હતું), (2) પાયલોટિંગમાં સાથે રહેનાર એક અજાણ્યો ઈસમ, (3) પાયલોટિંગમાં સાથે રહેનાર બીજો અજાણ્યો ઈસમ અને (4) પ્રોહિબિશનનો મુદ્દામાલ મંગાવનાર અજાણ્યો ઈસમનો સમાવેશ થાય છે. પોલીસ આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચલાવી રહી છે.

Read more