હિંમતનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરનો પાંચમો પાટોત્સવ યોજાયો:ગણેશ યાગ, ધજારોહણ અને આરતી સાથે ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરમાં અષ્ટવિનાયક ગણપતિ મંદિરનો પાંચમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગણેશ યાગ, ધજારોહણ અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિર અને ગણપતિદાદાને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં સવારે 6 વાગ્યાથી 11 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગનો પ્રારંભ થયો હતો. યજમાન બાબુલાલ પુરોહિત પરિવારના અમૃત પુરોહિતના હસ્તે ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરની ધજા સાથે પ્રદક્ષિણા કરીને શિખર પર પૂજન-અર્ચન બાદ ધજારોહણ કરવામાં આવ્યું હતું. ગણેશ યાગનું હવન બપોરે 12:39 કલાકે શ્રીફળ હોમ સાથે પૂર્ણ થયું હતું. હવન પૂર્ણ થયા બાદ ગણપતિદાદાની મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો હતો.
