Gujarati News

હાથના કાંડા અને ગળુ અડધું કપાયેલું, લોહીથી તરબોળ લાશ:દવાની ચિઠ્ઠીથી યુવતીની ઓળખ થઈ, CCTVમાં દેખાતા બે યુવક ઝડપાયા પણ કેસ ન ઉકેલાયો

Published: November 11, 2025 • Language: English

અજય દેવગનની ફિલ્મ દૃશ્યમનો એક ખૂબ જાણીતો ડાયલોગ છે. 2 ઔર 3 ઓક્ટોબર કો ક્યા હુઆ થા? સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મર્ડરની એક એવી ઘટના બની, જેમાં પોલીસ સામે પણ કંઈક આવો જ સવાલ ઉભો થયો હતો. દર મંગળવાર અને બુધવારે પબ્લિશ થતી ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આ વખતે વાંચો સુરતનો શોકિંગ કેસ. પ્રેમ પ્રકરણ, ચોરી અને અઘટિત માગણી પછી થયેલી હત્યામાં માત્ર ત્રણ જ દિવસના ઇન્વેસ્ટિગેશમાં એટલા ઉતાર ચઢાવ આવ્યા જેની પોલીસને પણ કલ્પના ન હતી. દશેરાના બે દિવસ બાદ પછીની વાત છે. સુરત નજીક આવેલા ગામડાનો ખેડૂત વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં ખેતરે જઈ રહ્યો હતો. સાથે કેટલાક મજૂરો હતા. ખેતરમાં શું-શું કામ કરવાનું છે તેની વાતો ચાલતી હતી, પણ રસ્તામાં એમની નજર કેટલીક વસ્તુ પર પડી અને તમામ લોકો ઉભા રહી ગયા. ખેતર તરફ જવાના કાચા રસ્તે કેટલોક સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો. ભોજનનું પાર્સલ, પ્લાસ્ટિકની બેગ, કેટલોક કટલરીનો સામાન તેમજ દવાઓ. ખેતરોની વચ્ચે અવાવારું જગ્યાએ આવો સામાન ક્યાંથી આવ્યો હશે? તમામ લોકોને આ વાતની શંકા ગઈ. ખેડૂત અને તેમની સાથેના મજૂરોએ આમતેમ નજર દોડાવી. થોડે દૂર હજુ કંઈક એવું જોનાથી મનમાં વધુ પ્રશ્નો ઉભા થયા. ધાબડો ઓઢીને કોઈક સુતું હોય એવું લાગ્યું. ખેડૂતે અંદરોઅંદર વાત કરી અને કહ્યું, ત્યાં કોઈ હોય એમ લાગે છે. ચાલો જઈને જોઈએ. તમામ લોકો એ બાજુ આગળ વધ્યા. તેમની નજર ધાબડા પર જ હતી. વધુ નજીક પહોંચ્યા તો જોયું ધાબડો ઓઢીને કોઈ ઉંઘી નહોતું રહ્યું. પરંતુ તેની નીચે લાશ સંતાડવામાં આવી હતી. લોહીથી લથપથ એક યુવતીની લાશ જોઈને ખેડૂત અને મજૂરોના ધબકારા વધી ગયા. થોડી વાર સુધી તો કોઈને સમજાયું નહીં કે શું કરવું. ધાબડો હટાવીને જોયું તો યુવતી અજાણી હતી. એટલે કે કોઈ ઓળખતું ન હતું. ખેડૂતે હવે સૌથી પહેલો ફોન પોતાના ભત્રીજાને ફોન કરીને કહ્યું, ખેતરમાં અજાણી યુવતીની લાશ પડી છે. થોડી જ વારમાં લોકો ઘટનાસ્થળે ભેગા થવા લાગ્યા. જો કે આ અરસામાં જ ખેડૂતે 112 નંબર ડાયલ કરીને પોલીસને પણ જાણ કરી દીધી હતી. વહેલી સવારે કોઈક યુવતીનું મર્ડર થયાના સમાચાર મળતા જ પોલીસ પણ ચોંકી. કંટ્રોલ રૂમમાંથી ઓલપાડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. એટલે પીઆઇ સહિતનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો. પોલીસે ટોળે વળેલા લોકોને દૂર ખસેડ્યા અને લાશનું નિરિક્ષણ કરીને તપાસ શરૂ કરી. યુવતીનું ગળું તિક્ષ્ણ હથિયાર વડે અડધું કપાયેલું હતું. ગળામાંથી ઘણુ લોહી વહી ચૂક્યું હતું. બન્ને હાથના કાંડા પણ નિર્મમ બનીને કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ હત્યારો હાડકું કાપી નહોતો શક્યો. તેણે યુવતીના પેટ તેમજ અને થાપાના ભાગે પણ તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. બ્રુટલ મર્ડરના આ કેસમાં પોલીસ માટે સૌથી મોટો પકડાર હતો યુવતીની ઓળખ કરવી. કારણે હત્યાના સમાચાર સાંભળીને એકઠા થયેલા લોકોમાંથી એક પણ વ્યક્તિ એવો ન હતો, જે આ યુવતીને ઓળખતો હોય અથતો પોતાના વિસ્તારમાં ક્યારેય જોઈ હોય. પોલીસ લાશનું નિરિક્ષણ કરતી હતી ત્યારે જોયું કે યુવતીના જમણા હાથ ગુજરાતીમાં “નિતેશ” લખ્યું હતું. જેની નજીક અંગ્રેજીમાં “N” આલ્ફાબેટનું છૂંદણું હતું. ડાબા હાથે પણ પતંગિયાનું છૂંદણું પડાવેલ હતું. તેમજ હાથમાં મોરની ડિઝાઇનવાળા પાટલા પહેરેલા હતા. પોલીસે વધુ માહિતી મેળવવા માટે વેરવિખેર પડેલો સામાન તપાસ્યો. લાશની બાજુમાં એક બેગ પડી હતી, જેમાંથી યુવતીના કપડા, સીમકાર્ડ તેમજ બીજો સામાન મળી હતો. નજીકમાં પ્લાસ્ટિકની બીજી એક બેગ પડી હતી. તેમાંથી કટલરીનો સામાન તથા દવાઓ મળી. આ દવા ઉપર બિલિમોરાની મેંગુશી જનરલ હોસ્પિટલ સ્ટિકર હતું. લાશની ઓળખ કરવાની દિશામાં આ પહેલું પગેરું હતું. લાશની હાલત જોતાં પોલીસને લાગ્યું કે કદાચ દુષ્કર્મના ઇરાદે હત્યા કરવામાં આવી હોઈ શકે. શરૂઆતના તબક્કે ઓલપાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ કેસની તપાસ કરી રહ્યો હતો. પણ કેસ વધુ ગંભીર જણાતા લોકલ ક્રાઇમ બ્રાંચ અને SOG એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ. આમ, કુલ 15 અલગ-અલગ ટીમે તપાસમાં લાગી ગઈ. સૌથી પહેલા મૃતક યુવતી કોણ છે એ સવાલનો જવાબ મેળવવાનો હતો. એટલે એક ટીમને મેંગુશી જનરલ હોસ્પિટલ મોકલવામાં આવી. બીજી ટીમને નજીકના વિસ્તારમાં જેટલા પણ CCTV ફૂટેજ મળે તેની તપાસ માટે કહેવામાં આવ્યું. જ્યારે અન્ય ટીમો મહિલાના અને તેના હાથ પરના છૂંદણા, હાથના પાટલાના ફોટો પાડીને સોશિયલ મીડિયા મારફતે તપાસ શરૂ કરી દીધી. આ દરમિયાન હોસ્પિટલ પહોંચેલી પોલીસ ટીમને પહેલી સફળતા હાથ લાગી. મેંગુશી હોસ્પિટલમાંથી મૃતક યુવતી બારડોલીની સોનલ રાઠોડ હોવાનું જાણવા મળ્યું. પોલીસની એક ટીમ આ વાતને કન્ફર્મ કરવા માટે બારડોલી પહોંચી. આ ઉપરાંત ત્યાંના ખબરીઓને પણ કામે લગાડી દીધા. એટલે મૃતક યુવતીના પરિવારનો મોબાઈલ નંબર મળી આવ્યો. હવે આ કેસમાં એક બાદ એક ખુલાસા થવાના શરૂ થયા. પોલીસને જાણવા મળ્યું કે સોનલ ઉર્ફે ક્રિષ્ના રાઠોડ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલા જામણિયા ગામની મૂળ વતની હતી. સોનલે લગ્ન બારડોલી તાલુકાના એક ગામડામાં રહેતા નિતેશ નામના યુવક સાથે થોડા વર્ષે પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. તેનાથી સોનલને સંતાનમાં 12 વર્ષનો એક દીકરો અને 7 વર્ષની દીકરી પણ હતી. બન્નેનું લગ્નજીવન ઘણા વર્ષો સુધી સુખેથી ચાલ્યું પણ થોડાક સમય પહેલા સોનલના જીવનમાં એક નવું પાત્ર આવ્યું. સોનલ તેના પતિ નિતેશ સાથે રહેતી હતી, તે દરમ્યાન છુટક મજુરી કામ કરતી હતી. મજુરી કામ માટે તે રિક્ષામાં બેસી જતી હતી. એ સમયે બારડોલીના જ રિક્ષા ચાલક શોએબ શેખના સંપર્કમાં આવી. સમય જતાં સોનલને શોએબ ગમવા લાગ્યો અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. હત્યા થઈ તેના લગભગ છએક મહિના પહેલાં સોનલે તેના પતિ અને બે બાળકોને તરછોડી દીધા અને પોતાના પ્રેમી શોએબ સાથે ભાગી ગઈ હતી. તેણીએ પોતાના પિયર પક્ષના લોકો તેમજ પતિ અને બાળકોની જરા પણ ચિંતા ન કરી અને પ્રેમી સાથે રહેવાનું નક્કી કર્યું. પોલીસને શંકા ગઈ કે ક્યાંક શોએબે જ સોનલની હત્યા નથી કરી ને? શંકાની સોય સોનલના પ્રેમી શોએબ તરફ જ હતી. બાતમીદારે શોએબ ગુનાખોર હોવાની પોલીસને જાણકારી આપી. હવે પોલીસે પોતાના પોર્ટલ eGujCopમાંથી (ઇ-ગુજકોપ) શોએબની ડિટેલ કાઢી અને ખબરીએ આપેલી વાત કન્ફર્મ થઈ ગઈ. સોનલનો પ્રેમી રીઢો ચોર હતો અને અગાઉ પણ તેની અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થઈ ચૂકી હતી. પોલીસે હવે શોએબી શોધખોળ હાથ ધરી. આ જ સમયગાળામાં અન્ય દિશામાં તપાસ કરી રહેલી ટીમને એવી માહિતી હાથ લાગી જેનાથી આ કેસના ઇન્વેસ્ટિગેશનમાં નવો વળાંક આવ્યો. જ્યાંથી લાશ મળી ત્યાંથી જ બે સીમકાર્ડ પણ પોલીસને મળી આવ્યા હતા. જેથી એક ટીમે એ દિશામાં પણ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજી ટીમ એક-એક કરતા નજીકના 150થી વધારે CCTV ફેંદી વળી હતી. એમાં થોડી સફળતા હાંસલ થઈ. અમુક CCTVમાં સોનલ સાથે બે યુવકો ચાલતા દેખાયા. અત્યાર સુધી પોલીસે શોએબને શંકાના દાયરામાં રાખ્યો હતો. પણ હવે શોએબ બાદ બીજા શખ્સો પણ આ લીસ્ટમાં સામેલ થઈ ગયા. જો કે આ બન્નેની ઓળખ કરવાની બાકી હતી. CCTVના ફૂટેજમાં જોવા મળ્યું કે સોનલ આ બંને યુવકો સાથે 3 ઓક્ટોબરે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ રિક્ષામાં બેસીને ક્યાંક જઈ રહી હતી. તેના હાવભાવ પરથી લાગતું હતું કે સોનલ આ બન્ને યુવકોને ખૂબ સારી રીતે ઓળખતી હશે. કારણ કે ત્રણય લોકો અન્ય એક CCTV ફૂટેજમાં ખૂબ શાંતિથી વાતચીત કરતા પણ દેખાયા હતા. રિક્ષામાં બેસીને થોડા આગળ ગયા પછી બે યુવકોમાંથી એક યુવક જમવાનું પાર્સલ લેવા માટે ગયો હતો. આમ, આ તમામ ઘટનાક્રમ એકબીજા સાથે જોડાયેલો હતો. પોલીસને જાણકારી મળી કે સોનલ તેના પ્રેમી શોએબ સાથે ભાગી ગઈ પછી શોએબના એક મિત્ર વલ્લભ વસાવા ઉર્ફે અનવરને ત્યાં બન્ને લોકો રહેતા હતા. વલ્લભનું ઘર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મીસરાદ ગામમાં આવેલું હતું. વલ્લભ અને શોએબની મિત્રતા થવા પાછળનું કારણ પણ ફિલ્મી હતું. શોએબ ચોરીના ગુનામાં જેલમાં ગયો હતો. ત્યારે તેની ઓળખાણ જેલમાં વલ્લભ વસાવા સાથે થઈ હતી. શોએબની જેમ જ વલ્લભ પર પણ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હતા. જેલમાંથી છૂટ્યા બાદ શોએબ સોનલને ભગાડીને વલ્લભના ગામડે એટલે કે મિસરાડમાં રહેતો હતો. ત્યાંથી વલ્લભ તથા શોએબ બન્ને ટ્રેનમાં બેસીને ચોરી કરવા જતા હતા. ત્યારે સોનલ પણ તેમની સાથે રહેતી હતી. ટ્રેનમાં ચોરી કરવા દરમિયાન વલ્લભની ઓળખાણ રાહુલ યાદવ નામના એક યુવક સાથે થઈ. રાહુલ રખડતો ભટકતો રહેતો હતો. એટલે આ ત્રિપુટીમાં રાહુલ પણ સામેલ થયો અને વલ્લભ, શોએબ, રાહુલ અને સોનલ સાથે રહીને વડોદરાથી સુરતના રેલવે સ્ટેશન તેમજ ટ્રેનોમાં ચોરી કરતા હતા. સોનલનું મર્ડર થયા બાદ સોનલની લાશના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ ફોટા વલ્લભની પત્ની સુધી પણ પહોંચ્યા. એટલે તેણી ગભરાઈ ગઈ. વલ્લભની પત્નીને લાગ્યું કે ક્યાંક મારા પતિ સાથે પણ કંઈક અજુગતો બનાવતો નહીં બની ગયો હોય ને? કારણ કે કેટલાક દિવસથી વલ્લભ પણ તેની પત્નીના સંર્પકમાં ન હતો. વલ્લભની પત્નીએ પોતાના બનેવીને બોલાવીને આખા વાત માંડીને કરી. પછી વલ્લભની પત્ની, પત્નીનો બનેવી અને દીકરો એમ ત્રણેય લોકો ઓલપાડ પોલીસ સ્ટેશને તપાસ કરવા પહોંચી. ત્યાંથી વલ્લભનો તો અતોપતો ન લાગ્યો પણ પોલીસને ફાયદો થયો. તેમને વલ્લભ વિશે થોડી વધુ માહિતી મળી ગઈ. જે આગળ જતા ઇન્વેસ્ટિગેશનમાં કામ લાગી. એક વિચિત્ર ઘટના એ બની કે જ્યારે વલ્લભની પત્ની તેની ચિંતા કરતી પોલીસ સ્ટેશને બેઠી હતી એ દરમ્યાન વલ્લભ તેના મિત્ર રાહુલને લઈને પોતાના ઘરે પહોંચ્યો હતો. એટલું જ નહીં તેણે ઘરના ફળીયામાં ઉભા રહીને બૂમો પાડી કે મેં મર્ડર કર્યુ છે… સોનલનું મેં મર્ડર કર્યું છે. વલ્લભ ઘરે આવીને બૂમો પાડતો હતો ત્યારે તેનો નાનો દીકરો પણ ત્યાં હાજર હતો. તેણે તરત જ પોલીસ સ્ટેશન ગયેલા મોટાભાઈને ફોન કરીને આ વાતની જાણ કરી. એટલે પોલીસને પણ ખબર પડી ગઈ કે વલ્લભ ઘરે આવ્યો છે. તરત જ પોલીસની એક ગાડી દોડાવવામાં આવી અને વલ્લભના ગામડે પહોંચી ગયા. પણ પોલીસ આવે એ પહેલાં જ વલ્લભ અને રાહુલ ફરાર થઈ ગયા. એક પછી એક આશ્ચર્યજનક ઘટનાઓ ઘટી રહી હતી. સામાન્ય રીતે કોઈ હત્યારો પોતે હત્યા કરી છે એવી બૂમો ન પાડે. પણ કેસમાં વલ્લભે આવું અજુગતું વર્તન કર્યું. જો કે વલ્લભે હત્યા કરી છે કે નહીં એ વાત પાક્કી ન હતી. છતાં તેના પર શંકા કરવી જરૂરી હતી. સત્ય જાણવા માટે પણ એને પકડવો પણ જરૂરી હતો. નાસતા-ફરતા આરોપી વલ્લભ અને રાહુલ સંભવિત જે વિસ્તારમાં હોઈ શકે એની જાણકારી પરિવાર પાસેથી મેળવીને પોલીસે શોધખોળ ચાલુ રાખી. ત્યારે પોલીસને બાતમી મળી કે બન્ને આરોપી પાલેજની બજારમાં રખડી રહ્યા છે. પોલીસ ગણતરીની મિનિટોમાં ગાડી લઈને ત્યાં પહોંચી અને બન્નેને ઝડપી પાડ્યા. આમ, 3 ઓક્ટોબરે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો અને વલ્લભ તેમજ રાહુલ નામના બે શંકાસ્પદ આરોપી 5મી તારીખે ઝડપાયા. સોનલ હત્યાકાંડમાં આ પહેલી ધરપકડ હતી. પરંતુ આ કેસમાં હજુ પણ ફિલ્મી સ્ટોરીની માફક ઉતારચઢાવ આવવાના હતા. બંને આરોપીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી ત્યારે તેમનો ભૂતકાળ સામે આવ્યો. વલ્લભ ઉર્ફે અનવર વસાવા ભરૂચના ટંકારીયા ગામમાં એક ખેડૂતને ત્યાં ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતો હતો. ત્યાં ત્રણ વર્ષ તનતોડ મહેનત કરી. છતાં રૂપિયા ઓછા પડતા હતા. એટલે તેણે ડ્રાઇવિંગનું કામ છોડી દીધું અને અલગ-અલગ રેલવે સ્ટેશને રખડીને ચોરી કરવાનું શરૂ કરી દીધું. સુરતથી સાયણ, કીમ, પાનોલી, પાલેજ, ભરૂચ, વડોદરા સુધીના રૂટ પરની ટ્રેનમાં રખડીને મોબાઇલ ફોન અને પર્સની ચોરી કરતો હતો. તેની સામે કીમ, કામરેજ, કોસંબા અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના દાખલ થયા હતા. ઘણીવાર ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરતા પણ વલ્લભ પકડાતો હતો. ત્યારે તેની પત્ની અથવા સાઢુભાઈ જામીન પર છોડાવતા હતા. જ્યારે રાહુલ ઉર્ફે રાજેશ યાદવ મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પાસેના ફૂલપુરનો વતની હતો. તેના પિતા ફુલચંદ બિલીમોરામાં નોકરી કરતા હતા. ત્યારે રાહુલ તેના મોટા ભાઈ સાથે બિલીમોરા રહેવા આવી ગયો હતો. પરંતુ તેના પિતા ગુસ્સામાં તેને મારતા હોવાથી ઘણા સમયથી તે ઘરેથી ભાગીને એકલો રખડતો હતો. આ દરમિયાન વલ્લભ મળ્યો અને બન્ને લોકો મળીને ચોરી કરવા લાગ્યા હતા. શોએબનો ભૂતકાળ પણ વલ્લભ અને રાહુલ જેવો જ હતો. તે રિક્ષા ચલાવવાની સાથે વાહન તેમજ અન્ય ઘણી વસ્તુની ચોરીમાં સંડોવાયેલો હતો. 16થી વધુ ગુનાનો આરોપી શોએબ જેલમાં ગયો ત્યારે તેની ઓળખાણ વલ્લભ ઉર્ફે અનવર સાથે થઈ. બંને મિત્રો બની ગયા. શોએબ સોનલને ભગાડીને લઈ ગયો ત્યારે તે વલ્લભના ઘરે જ રહેતો હતો. આ તમામ માહિતી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન વલ્લભ અને રાહુલે આપી હતી. પરંતુ જ્યારે તેમને સોનલના મર્ડર વિશે પૂછવામાં આવ્યું તો બન્ને આરોપીઓએ કંઈક અલગ જ કહાની પોલીસ સામે રજૂ કરી. પોતાના ઘરે જઈને સોનલનું મર્ડર કર્યું હોવાનો દાવો કરનારો વલ્લભ પોલીસ સામે બોલ્યો, સોનલને મેં નહીં પરંતુ તેના પ્રેમી શોએબે મારી નાખી હતી. આ વાત પોલીસ માટે પણ આશ્ચર્યજનક હતી. કારણ કે સોનલનું છેલ્લું લોકેશન અને CCTV ફૂટેજના પુરાવાને ધ્યાને લેતા તેણીની સાથે વલ્લભ અને રાહુલ જ હતા. એ ઘટનાક્રમમાં શોએબ દેખાતો ન હતો. આ કહાનીમાં સૌથી મોટું ટ્વિસ્ટ એ હતું કે વલ્લભ અને રાહુલની ધરપકડ થઈ એ પહેલાં જ પોલીસને શોએબ મળી આવ્યો હતો. પરંતુ આ બન્ને આરોપીઓને આ વાતની જાણ કર્યા વગર જ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી, જેથી તમામ પક્ષની જાણકારી મળી શકે. વલ્લભ અને રાહુલના નિવેદન બાદ ફરી એકવાર શોએબ શંકાના ઘેરામાં હતા. પરંતુ ઘણા સવાલો હજુ પણ પોલીસના મનમાં હતા. વલ્લભે પોલીસને કહ્યું કે શોએબે સોનલનું મર્ડર કર્યું છે. તો તેણે પોતે મર્ડર કર્યાની બૂમો કેમ પાડી?
શું ખરેખર શોએબે જ સોનલનું મર્ડર કર્યું હતું?
સોનલને હત્યા પહેલાં હોસ્પિટલ કેમ લઈ જવામાં આવી હતી
સોનલ હોસ્પિટલમાંથી નીકળી ત્યારે શોએબ ક્યા હતો? આ તમામ સવાલોના જવાબ પરથી પડદો ઊંચકાશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.

Read more

← Back to Home