હળવદમાં 344 વિઘા સરકારી જમીન પચાવી પાડવાનો મામલો:4 આરોપીની ધરપકડ, રિમાન્ડની તજવીજ શરૂ
હળવદ તાલુકામાં 344.27 વિઘા સરકારી જમીન બનાવટી રેકોર્ડ ઊભા કરીને પચાવી પાડવાના ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે મામલતદારે બે મહિલા સહિત 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સીટની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સરકારી જમીન પચાવી પાડવા માટે બનાવટી રબર સ્ટેમ્પ બનાવ્યા હતા અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ અને ખોટા હુકમો પણ કરવામાં આવ્યા હતા. હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટ (ઉંમર 55) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સહિત 9 લોકોના નામનો ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, વર્ષ 2016 થી 2020 દરમિયાન આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોમાં રેવન્યુ રેકોર્ડ પર ચાલતી સરકારની અલગ અલગ સર્વે નંબરવાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઊભું કર્યું હતું. તેમણે આયોજનબદ્ધ કાવતરું રચીને સરકારી કચેરીના હોદ્દાવાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવ્યા, તેનો ઉપયોગ કર્યો અને પોતાના કબજામાં રાખ્યા. આરોપીઓએ તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ અને ખોટા હુકમો કરીને ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ 344.27 વિઘા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરાવી લીધી હતી. આ ગુનામાં હળવદના પીએસઆઇ કે.એચ.અંબારિયા અને તેમની ટીમે દિનેશભાઈ હમીરભાઇ વનાણી (ઉંમર 42, રહે. રાયસીંગપુર), છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર (ઉંમર 58, રહે. હળવદ), રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ (ઉંમર 59, રહે. ઘનશ્યામપુર) અને વનાણી હમીરભાઈ વજુભાઈ (ઉંમર 70, રહે. રાયસીંગપુર, તા. મુળી) ની ધરપકડ કરી છે. તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ દ્વારા બે મહિલા સહિત બાકીના આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતા સંકેતો મુજબ, આ તપાસનો રેલો તત્કાલિન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પણ પહોંચી શકે છે.
