હમ હમારા હક માંગતે નહીં કિસીસે ભીખ માંગતે:કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘ મેદાને, રિવરફ્રન્ટ પર મહાસંમેલન
ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિતે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા છે. આ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ભેગા થઈને ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓ સરકાર સામે દેખાવો કરશે. તમામ યુનિયનો પોતપોતાના સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે. નાની નાની રેલી સ્વરૂપે પોતાની માંગણીઓને લઈને યુનિયન મહાસંમેલન માટે પહોંચી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઈને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક વખત ચર્ચા થયા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ના આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમજ મહાસંમેલન બાદ યુનિયનના 5-5 સભ્ય મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોના મંત્રીઓને આવેદન પત્ર આપશે. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ચર્ચા-વિચારણા કરી એક સમિતિ બનાવવી. આ સમિતિમાં ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વને સ્થાન આપવું. આ મુદ્દે ઉદ્યોગોમાંથી આવેલી રજુઆતને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગ કરી છે. જ્યાં સુધી સમિતિનું ગઠન ના થાય ત્યાં સુધી નિર્ણયનો અમલ ના કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ભારતીય મજદૂર સંઘની સરકાર કઇ કઇ માંગણીઓ છે?
