સ્વામિનારાયણ સંતના નામે 10,000 ડોલર આપવાનું કઈ 4.50 લાખની ઠગાઈ:વોટ્સએપમાં મેસેજ કરી 200 ડોલરનો રૂ.10,000 ભાવ નક્કી કર્યો, ઉપર નીચે 100ની નોટ અને વચ્ચે 1-1 ડોલર મૂકી દેતા
નવસારી જિલ્લાના વાંસદાના યુવકને અમેરિકન ડોલર વેચવાના નામે ઠગાઈ કરનાર 3 આરોપીઓને નંદેસરી પોલીસે ઝડપી પાડ્યા છે. નવસારીના જાગૃત નાગરિકે વડોદરાના સાંકરદા ગામ પાસે નંદેસરી પોલીસની મદદથી આરોપીઓને ફસાવ્યા હતા. જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે બે આરોપીનો અકસ્માત થયો હતો અને બંનેને ઈજાઓ થઈ હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 200 ડોલર માટે 10,000 રૂપિયાનો ભાવ નક્કી કર્યો
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રહેતો 23 વર્ષીય યુવક મહેશ (નામ બદલ્યું છે) વર્ષ 2021થી લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 ફેબ્રુઆરી 2025ના રોજ તેની ઓફિસના મોબાઈલ પર વોટ્સએપમાં ‘જય સ્વામિનારાયણ’નો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ, અમેરિકન ડોલર વેચવા માટેની વાતચીત થઈ હતી. આરોપીઓએ ડોલરના ફોટા મોકલ્યા હતા અને 200 ડોલર માટે 10,000 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો. 10 હજાર ડોલર માટે 4,50,000 રૂપિયા નક્કી થયા
મહેશ અને તેનો મિત્ર તારાપુર ચોકડી પાસે પીપળાવ ગામના સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચ્યા હતા. જ્યાં આરોપીના માણસે તેમને 100 ડોલરની બે નોટ આપી અને 10 હજાર રૂપિયા લીધા હતા. પાછા ફરીને નોટ ચેક કરાવતા તે અસલી નીકળી હતી, ત્યાર બાદ 13 ફેબ્રુઆરી 2025ના રોજ ફરી વાતચીત થઈ હતી. આ વખતે 10 હજાર ડોલર માટે 4,50,000 રૂપિયા નક્કી થયા હતા. બંડલમાં ઉપરની નોટ 100ની બાકી બધી 1 ડોલરની નોટ
મહેશ અને તેના મિત્રો પીપળાવ ગામ પાસે સેફરોન પ્લોટિંગ સોસાયટીમાં પહોંચ્યા હતા. આરોપીએ કાળા પ્લાસ્ટિકના ઝબલામાં ડોલર આપ્યા અને રૂપિયા લઈને ઝાડીમાં ભાગી ગયો હતો. તપાસ કરતા ઉપરની નોટ 100 ડોલરની હતી, પરંતુ અંદરની બધી નોટો 1 ડોલરની નીકળી હતી. જેથી છેતરપિંડીની અરજી સોજિત્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ફરી ‘જય સ્વામિનારાયણ’ અને ડોલરના ફોટાનો મેસેજ આવ્યો
28 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે મહેશના મોબાઈલ નંબર પર ફરી ‘જય સ્વામિનારાયણ’ અને ડોલરના ફોટાનો મેસેજ આવ્યો હતો. મહેશને ફેબ્રુઆરીની ઘટના જેવી જ પદ્ધતિ લાગી હતી. આરોપીઓએ પોતાને સ્વામિનારાયણના સંત તરીકે રજૂ કર્યા હતા અને એમનું મંદિર દાહોદ-ગોધરા એમપી બોર્ડર પર હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી મિત્ર સાથે સાંકરદા ગામે પહોંચ્યા હતા
મહેશે આરોપીઓને પકડાવવા માટે વાતચીત ચાલુ રાખી હતી. 200 ડોલર (100 ડોલરની બે નોટ) માટે 10 હજાર રૂપિયા નક્કી થયા હતા. આરોપીઓએ વડોદરા પાસે સાંકરદા ગામમાં બોલાવ્યા હતા. મહેશ અને મિત્ર સાથે ત્યાં પહોંચ્યા હતા અને આ વિસ્તારને નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં હોવાથી પોલીસને જાણ કરી હતી. આરોપીઓએ વોટ્સએપ કોલ કરી રાહ જોવાનું કહ્યું હતું
નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ગજેન્દ્રસિંહ અને અન્ય સ્ટાફ મહેશ સાથે કારમાં બેસીને ગયા હતા. સાંકરદા બ્રિજ નીચે વૈશાલી હોટલ સામે ઉભા રહીને વોટ્સએપ કોલ કર્યો હતો. આરોપીઓએ થોડી વાર રાહ જોવાનું કહ્યું હતું, એ સમયે એક અલ્ટો ગાડી પસાર થઈ હતી અને તેમાંથી એક વ્યક્તિએ તેમની તરફ જોતા મહેશને શંકા ગઈ હતી, ત્યાર બાદ આરોપીએ ફોન કરીને બ્રિજથી આગળ સાંકરદા ગામ તરફ આવવા જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપીએ જણાવ્યું હતું કે, તેઓ આગળ નીકળી ગયા છો અને પાછા આવો. તેના માણસે લાલ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે. આરોપીએ ડોલર બતાવી રૂપિયા માગતા પોલીસે ઝડપી પાડ્યો
મહેશે ગાડી રિવર્સ કરી હતી અને તેઓ મુકેશ કનુભાઈ તળપદાને મળ્યા હતા, તેણે ડોલર બતાવ્યા અને રૂપિયા માંગ્યા હતા. જેથી પોલીસે તેને પકડી લીધો અને તપાસમાં 100 ડોલરની 5 નોટ મળી હતી. આરોપી મુકેશે જણાવ્યું હતું કે, તેના સાથી અમિત ગોવિંદ તળપદા અને જીગ્નેશ કીરીટ તળપદા અલ્ટો ગાડીમાં બેઠા છે. પોલીસે અન્ય આરોપીને પકડવા જતાં અલ્ટો કાર પૂર ઝડપે દોડાવી
આ સમયે અલ્ટો કાર પુરપાટ ઝડપે ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે તેમનો પીછો કર્યો હતો અને અલ્ટો કાર સાંકરદા ગામથી બાબરપુરા રોડ પર એક થાંભલા સાથે અથડાઈને ઉભી રહી ગઈ હતી. પોલીસે તેમાંથી અમિત અને જીગ્નેશને બહાર કાઢ્યા હતા. તેઓને મોઢા, હાથ-પગ અને કમરમાં ઈજાઓ થઈ હતી. આરોપી અમિતે કબૂલ્યું હતું કે, તે પોતે જ સ્વામી બનીને વાત કરતો હતો. ઈજાગ્રસ્ત આરોપીઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુકેશને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આરોપીની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ સૌપ્રથમ લોકોના મોબાઈલ નંબર શોધીને તેઓને વોટ્સએપ પર મેસેજ મોકલી તેમને સસ્તા ભાવે ડોલરમાં વેચવા બાબતે જણાવી સૌપ્રથમ 100 ડોલરની બે નોટો રૂપિયા 10,000 માં આપી દીધા બાદ વધુ ડોલર આપવાની લાલચ આપી ફોસલાવી ડોલર લેવા અવાવરૂ જગ્યાઓમાં બોલાવી 100 ડોલરની નોટનું બંડલ બતાવી તે બંડલમાં ઉપર 100 ડોલર તેમજ નીચેના ભાગે 100 ડોલર મુકી વચ્ચેના ભાગે એક-એક ડોલરની નોટ અથવા અન્ય કોઈ કાગળ મુકી લોકોને આપી લોકો પાસેથી રૂપિયા મેળવી લેતા હતા. આરોપીઓએ આણંદ, વડોદરા સહિત અનેક લોકો સાથે આ પ્રકારે સ્કેમ આચર્યું છે. આરોપીઓ સુરત, નવસારી, મુંબઈ સહિતના દૂરના વિસ્તારના લોકોનો સંપર્ક કરતા હતા અને તેમને વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં બોલાવતા હતા અને ઠગાઈ કરીને ભાગી જતા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ કબજે કરાયેલો મુદ્દામાલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આરોપી અમિત ઉર્ફે અમતો ગોવિદ તળપદા વિરૂદ્ધ અગાઉ કલમ 420, 406, 120 (બી), 114 મુજબ ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
