Gujarati News

સોમનાથમાં ડિમોલિશન સમયે પોલીસ પર પથ્થરમારો:ગેરકાયદે ધાર્મિક બાંધકામ પર બુલડોઝર ફેરવાતાં સમયે ઘર્ષણ, પોલીસનો લાઠીચાર્જ

Published: November 10, 2025 • Language: English

ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન એક ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં નારાજગી દેખાઈ હતી. ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. માહિતી મુજબ, ઘટનાસ્થળે મહિલાઓના ટોળાએ પણ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તણાવ વધતાં પોલીસે વધારાનો બંદોબસ્ત બોલાવી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
સરકારી જમીન પરના ગેરકાયદે કબજાઓ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન થયેલા આ વિવાદ બાદ તંત્રએ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વધુ કડક બનાવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્રના સૂત્રો દ્વારા જણાવાયું છે, જોકે સ્થાનિકોમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો સામે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં અનેક રહેણાંક અને વેપારી ઇમારતોને પણ તોડી પાડવામાં આવી છે.

Read more

← Back to Home