Divya Bhaskar Gujarat

સેવન્થ ડે સ્કૂલ દ્વારા વાલીઓને લખાયેલા પત્રથી વિવાદ:તપાસ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ ખોટો હોવાનો દાવો, DEOએ કહ્યું- રિપોર્ટ ખોટો હોય તો પુરાવા કેમ આપ્યા નથી?

Published: November 4, 2025 • Language: English

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ તપાસ કમિટીએ શિક્ષણ વિભાગને રિપોર્ટ સબમિટ કર્યો છે. જેમાં શાળાઓમાં અનેક પ્રકારની ખામીઓ હોવાથી શાળાને સરકાર હસ્તક લેવા માટે તપાસ કમિટીએ ભલામણ કરી છે. જેને લઈને તપાસ કમિટીના રિપોર્ટ સામે સેવન્થ ડે સ્કૂલે વાંધો ઉઠાવ્યો છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ સ્કૂલ દ્વારા વાલીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તપાસ કમિટીએ જે રિપોર્ટ બનાવ્યો છે તે ખોટો હોવાનો શાળા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની તપાસ કમિટી શાળાનું કાર્ય ના સમજી શકી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને અમદાવાદ શહેર DEOએ કહ્યું કે જો તપાસ કમિટીનો રિપોર્ટ ખોટો હોય તો શાળાએ તમારા પુરાવા વાલીઓ જોઈ શકે તે રીતે જાહેર કરવા જોઈએ. હત્યાના વિવાદ બાદ શાળા દ્વારા વાલીઓે પત્ર લખવામાં આવ્યો
સેવન્થ ડે સ્કૂલ દ્વારા વાલીઓને જે પત્ર કરવામાં આવ્યો છે તેમાં તપાસ કમિટીનો રિપોર્ટ ખોટો હોવાનો શાળા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર DEO ની તપાસ કમિટી શાળાની કાર્યપ્રણાલી અને સંગઠનાત્મક માળખાને સમજી શક્યા ના હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 40 વર્ષથી શાળા ચાલુ હોવા હોય તો ખોટા ડોક્યુમેન્ટના આધારે આટલા વર્ષો સુધી કઈ રીતે ચાલી શકે તેવો તર્ક શાળા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સેવન્થ ડે સ્કૂલમાં તપાસ કમિટી રચવામાં આવી છે અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ રિપોર્ટ જમા કરાવવામાં આવ્યો છે. જેમાં શાળામાં ખૂબ જ ગંભીર પ્રકારની અનિયમિતતાઓ ધ્યાને આવી છે. જેના આધારે શિક્ષણ વિભાગની વડી કચેરીમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. અત્યારે શાળા જે જગ્યાએ ચાલે છે ત્યાંના જરૂરી આધાર પુરાવા રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો, છતાં શાળા મંડળ દ્વારા જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. આશ્લોક ટ્રસ્ટ દ્વારા પ્રાઈમરી શાળા ત્યાં ચાલે છે તેની મંજૂરી આધાર પુરાવો શાળા મંડળ દ્વારા રજૂ કરવામાં આવ્યો નથી. જો કે હમણાં શાળાના પ્રિન્સીપાલ દ્વારા વાલીઓને એક મેસેજ કરવામાં આવ્યો છે કે શાળા દ્વારા પૂરતા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે પરંતુ જે ડોક્યુમેન્ટ આપવા જોઈએ તે આપ્યા જ નથી. વાલીઓએ ચિંતા કરવાની જરુર નથી- DEO
વધુમાં DEO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના વાલીઓએ ચિંતિત થવાની જરૂર નથી. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત ના જોખમાય તે માટેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતી રહે તે અમારા માટે ખૂબ જરૂરી છે. એટલા માટે ઓબ્ઝર્વર પણ મૂકવામાં આવ્યા છે. આગામી સમયમાં સરકાર હસ્તક વહીવટ લેવામાં આવે તો પણ શૈક્ષણિક કાર્યમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. શાળા દ્વારા વાલીઓને જે જણાવવામાં આવ્યું છે, તો અત્યારે શાળા જે જગ્યાએ ચાલે છે તેની મંજૂરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે તે આપવામાં આશ્લોક ટ્રસ્ટ દ્વારા હજુ સુધી આપવામાં આવ્યા નથી. જેથી સ્પષ્ટ થાય છે કે અત્યારે જ્યાં શાળા ચાલે છે તેની મંજૂરીના ડોક્યુમેન્ટ શાળા મંડળ પાસે નથી. જેથી અમાન્ય શાળા ચાલી ના શકે તે માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે છે. વિદ્યાર્થીઓનું હિત નહીં જોખમાય તે બાબતે સરકાર ધ્યાન આપશે.

Read more

← Back to Home