Divya Bhaskar

સુરેન્દ્રનગરમાં 'યોગ સંવાદ' કાર્યક્રમ:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત' અભિયાનને બળ આપવા પહેલ

Published: November 3, 2025 • Language: English

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ‘યોગ સંવાદ કાર્યક્રમ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો હતો. આ વિશેષ કાર્યક્રમ સુરેન્દ્રનગરના નમો કમલમ, ખેરાળી રોડ પાસે, રાજકોટ હાઈવે પર યોજાયો હતો. આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયા હતા. તેમણે ઉપસ્થિત સર્વેને યોગના સર્વાંગી મહત્વ અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. શીશપાલજીએ જણાવ્યું હતું કે, યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે, જે વ્યક્તિને તમામ પ્રકારના તણાવ અને દબાણમાંથી મુક્ત કરીને દિવ્યતા તરફ દોરી જાય છે. બોર્ડ દ્વારા નવા વર્ષના પ્રારંભે ‘નવા વર્ષમાં તાણ નહીં, તરંગો…, દબાણ નહીં, દિવ્યતા લાવીએ…’નું સૂત્ર જાહેર કરીને નિયમિત યોગ અપનાવવા આહ્વાન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી અભિયાન ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ ને વધુ બળ પૂરું પાડવાનો હતો. તેનો હેતુ રાજ્યના નાગરિકો તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલ દ્વારા લોકોને જીવનમાં સકારાત્મક તરંગોનું નિર્માણ કરીને સ્વસ્થ સમાજ અને સુખમય જીવન તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, અમૃતાબેન માટલીયા, રમત ગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, જેલ અધિક્ષક ગોપાલભાઈ વણઝારા, બ્રહ્માકુમારી કોમલ દીદી, માનવ અધિકાર સંઘના હસમુખસિંહ પરમાર, યોગ કોર્ડીનેટર મોનિકા ચુડાસમા, ગબરુભાઈ ભરવાડ, નીતાબેન દેસાઈ સહિત મોટી સંખ્યામાં યોગ કોચ, ટ્રેનર અને યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડે નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને મેદસ્વિતા મુક્ત અને નિરોગી ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

Read more at source

← Back to Home