સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નુકસાનીનો તત્કાળ સર્વે કરવા સૂચના આપી હતી. ખેતીવાડી ખાતાની ટીમોએ અસરગ્રસ્ત ગામોની ઝડપથી મુલાકાત લીધી હતી. આ કામગીરીને કારણે ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો છે. વ્રજપુર ગામના ખેડૂત કમલેશ પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદથી તેમના કપાસ અને મગફળીના બંને પાક નિષ્ફળ ગયા છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા તત્કાળ પેકેજ જાહેર કરવાની અપેક્ષા વ્યક્ત કરી. જેગડવા ગામના ખેડૂત નિલેશભાઈએ કહ્યું કે, તેમના કપાસના પાકને માવઠાથી નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગની ટીમો નુકસાન જોવા અને સર્વે કરવા ઝડપથી આવી તે બાબત સરાહનીય છે. તેમણે સર્વે બાદ ઝડપથી સહાય આપવાની માંગ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉભા પાકને થયેલા નુકસાન બાદ, જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી હતી. ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂત જયદીપભાઈએ ખેતીવાડી વિભાગની ઝડપી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, તેમના મગફળીના વાવેતરમાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. જયદીપભાઈએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ખેતીવાડી વિભાગ દ્વારા વ્યવસ્થિત રીતે પાક નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદના દાખવી ઝડપથી સર્વે કર્યું તે આનંદની વાત છે. તેમણે એવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી કે, સરકાર ખેડૂતો પર ખાસ ધ્યાન આપીને મદદ કરે. ગામના સરપંચ જાદવ જાયમલભાઈએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે આખા ગામમાં ખેતીપાકોમાં વ્યાપક નુકસાની જોવા મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં અંદાજે 550થી 600 ખેડૂત ખાતેદારો છે. સરકારે ખેડૂતોના હીતને ધ્યાનમાં લઈને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી હતી. જે અંતર્ગત ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર ઝડપથી સહાય આપે એવો અનુરોધ પણ કર્યો હતો.