Divya Bhaskar Gujarat

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને નુકસાનીનો સર્વે પૂર્ણ:500 ટીમોએ 10 તાલુકાના 500 ગામોમાં કામગીરી કરી, હવે સરકારના માર્ગદર્શન સહાય ચુકવાશે

Published: November 4, 2025 • Language: English

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજ્ય સરકારના નિર્દેશ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 500 ટીમો બનાવી યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે તાત્કાલિક શરૂ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાના કુલ 500 ગામોમાં વરસાદથી નુકસાન નોંધાયું છે. જેમાં મુખ્યત્વે તુવેર, કપાસ અને મગફળી જેવા પાકોને અસર થઈ છે. પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટી તંત્રએ ગ્રામસેવક, તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓ સહિતની 500 ટીમોની રચના કરી હતી. આ ટીમોએ ગામ-ગામની મુલાકાત લઈ સરપંચો, ગ્રામ પંચાયતો અને ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને પંચરોજકામ અનુસાર માહિતી એકત્રિત કરી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમારે જણાવ્યું કે, કમોસમી વરસાદથી જિલ્લાના અંદાજે 500 ગામોમાં નુકસાન થયું હતું. તમામ નુકસાનગ્રસ્ત ગામોમાં 500 ટીમો દ્વારા સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ સરકારના માર્ગદર્શન મુજબ પાક નુકસાનીનું ચૂકવણું કરવામાં આવશે.

Read more

← Back to Home