સુરતની કિરણ હોસ્પિ.ના ડોક્ટરનો ડાબા હાથે ઇન્જેક્શન મારી આપઘાત:હોટલના આઠ નંબરના રૂમમાં પોલીસને લાશ મળી; એક પેજ પર બાળકનું ચિત્ર ને પત્નીનું નામ, અન્ય પેજ પર 'ન્યાય' લખ્યું
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કિરણ હોસ્પિ.માં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા
મળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહા ખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હોટલના રૂમ નંબર આઠમાં ડોક્ટરે રાત્રિ રોકાણ કર્યું
ગત 7 નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી હોટલ નેસ્ટમાં ગયા હતા. જ્યાં તેમણે રહેવા માટે એક રૂમ બુક કરાવ્યો હતો. હોટલના રૂમ નંબર આઠમાં તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે 8 નવેમ્બરના રોજ ચેક આઉટનો સમય થઈ ગયો હોવા છતાં પણ ડોક્ટર ભાવેશ દ્વારા ચેક આઉટ કરવામાં આવ્યું નહોતું. સ્ટાફે દરવાજો ખખડાવતા રૂમનો દરવાજો ન ખોલ્યો
ડોક્ટર ભાવેશે ચેક આઉટ ન કરતાં હોટલના સ્ટાફ દ્વારા રૂમમાં કોલ કરીને અંગે તપાસ કરવામાં આવી હતી. જોકે, કોલનો પણ કોઈ જવાબ આપવામાં ન આવતા રૂમ પર જઈને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દરવાજો પણ ન ખોલતા શંકા ગઈ હતી અને પોલીસને જાણ કરી હતી. જેથી ગોડાદરા પોલીસ હોટલ ખાતે દોડી ગઈ હતી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હોટલનો દરવાજો ખોલતા ડોક્ટરનો મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સાથે જ ઇન્જેક્શન અને એક દવાની બોટલ પણ મળી આવી હતી. જેથી તેમણે ઇન્જેક્શનથી દવા લઈને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ડોક્ટરે ડાબા હાથ પર ઇન્જેન્કશન મારી આપઘાત કર્યો
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર ભાવેશ દ્વારા એનેસ્થેશિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન દ્વારા લેવામાં આવ્યો હતો. પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં આપઘાત કર્યો હતો. આ ઉપરાંત પોલીસને તબીબે મરતા પહેલાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને ડાયરીના ત્રણ-ચાર પેજમાં અલગ અલગ શબ્દો લખેલા મળ્યા
સુસાઈડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. એક ડાયરીના ત્રણ-ચાર પેજમાં અલગ અલગ શબ્દો લખ્યા છે. એક પેજમાં પત્નીનું નામ ધારા લખ્યું હતું. બીજા પેજમાં માત્ર ન્યાય લખ્યું હતું. તો અન્ય એક પેજમાં બાળકનું ચિત્ર બનાવીને બાજુમાં ધારા લખ્યું છે. જેથી આ તબીબે ઘર કંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે. આપઘાતના બનાવ અંગે ગોડાદરા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
