સિંહ સદનની નકલી સરકારી વેબસાઈટ બનાવી છેતરપિંડી:ઓનલાઈન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગના નામે પ્રવાસીઓના લાખો રૂપિયા ખંખેર્યા, જૂનાગઢ વન વિભાગના કર્મચારી પણ શિકાર
સાસણ ગીરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન કરવા અને કુદરતી સૌંદર્યની મોજ માણવા આવતા હોય છે. અહીં આવતા પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે ઉત્તમ રહેવા, જમવાની સુવિધા મળી રહે તે માટે ઓનલાઇન બુકિંગ જ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આજે સાસણ ગીરના સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસના નામે પ્રવાસીઓ સાથે મોટાપાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા ઠગ ઈસમોએ સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસની આબેહૂબ દેખાતી નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓને ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરીને લાખો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી છે. આ ઘટનાને પગલે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગબાજોએ પૈસા પડાવવા સિંહ સદનની નકલી વેબસાઈટ બનાવી
સાસણ ગેસ્ટ હાઉસ રેન્જ ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા યશ ભરતકુમાર ઉમરાણીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત વન વિભાગના વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીર હેઠળ સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસ આવેલું છે. આ ગેસ્ટ હાઉસમાં પ્રોટોકોલ મુજબ સરકારી મહેમાનોને રહેવા-જમવાની વ્યવસ્થા અપાય છે, જ્યારે બિન-સરકારી પ્રવાસીઓને રિસેપ્શન પરથી કરન્ટ બુકિંગ દ્વારા રૂમ ફાળવવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગ માટે આજદિન સુધી કોઈ સત્તાવાર ઓનલાઈન વેબસાઈટ કાર્યરત નથી, ન તો વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યા છે. વન વિભાગને સહકર્મચારીઓ મારફતે નકલી વેબસાઈટની જાણ થઈ
અજાણ્યા ઠગ ઈસમોએ અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઈટો ઊભી કરી હતી. આ વેબસાઈટ પર સંપર્ક માટે વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર મૂકીને પોતે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપવામાં આવતી હતી. વન વિભાગને સહકર્મચારીઓ મારફતે આ નકલી વેબસાઈટ વિશે જાણકારી મળી હતી. બાદમાં અનેક પ્રવાસીઓ છેતરપિંડીનો ભોગ બન્યાની રજૂઆતો સાથે સામે આવ્યા હતા. આ ત્રણ નોંધાયેલા કિસ્સાઓમાં છેતરપિંડી આચરનાર આરોપીઓએ પ્રવાસીઓ અને વન વિભાગના કર્મચારી પાસેથી અંદાજે રૂ. 28,900ની છેતરપિંડી આચરી છે. જો કે વન વિભાગે અન્ય પ્રવાસીઓની રજૂઆતો પણ મળી હોવાનું જણાવ્યું છે, તેથી છેતરપિંડીની કુલ રકમ લાખોમાં હોવાની સંભાવના છે. ત્રણેય બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ
રેન્જ ફોરેસ્ટ અધિકારી યશ ભરતકુમાર ઉમરાણીયાએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ બનાવટી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઉભો કરીને છેતરપિંડી કરવા બદલ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નકલી વેબસાઈટો, વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર અને ત્રણેય બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે, જેથી આવા સાયબર ફ્રોડથી વધુ નાગરિકો ભોગ ન બને. આ મામલે પોલીસે નકલી વેબસાઇટ્સ બનાવનાર અને વાપરનાર, વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર બનાવનાર તેમજ તમામ બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
