Divya Bhaskar Gujarat

સાબરકાંઠામાં જનજાતીય ગૌરવ રથયાત્રા આયોજન અંગે કલેક્ટરની બેઠક:બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તૈયારીઓની સમીક્ષા કરાઈ

Published: November 4, 2025 • Language: English

સાબરકાંઠા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારી જનજાતીય ગૌરવ રથયાત્રાના સુચારુ આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં આ બેઠક સંપન્ન થઈ હતી. આ રથયાત્રા 7 નવેમ્બરથી 13 નવેમ્બર, 2025 દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં યોજાશે. 7 નવેમ્બર, 2025ના રોજ પોશીના ખાતેથી જિલ્લાકક્ષાની ગૌરવ રથયાત્રાનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2021માં બિરસા મુંડાના જન્મદિવસ, 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો, જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો છે. બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ અપાશે. આદિજાતિ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે અને વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાશે. જનજાતીય ગૌરવ રથયાત્રા પૂર્વે શાળાઓ, પંચાયતઘર અને આંગણવાડી જેવા સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાશે. ઉપરાંત, શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેષભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

← Back to Home