સાબરકાંઠાના ત્રણ ખેલાડીએ મેડલ જીત્યા:નાસિકમાં વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેળવ્યા
મહારાષ્ટ્રના નાસિક ખાતે ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાયેલી બે દિવસીય વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ 2025માં સાબરકાંઠા જિલ્લાના ત્રણ ખેલાડીઓએ મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશીપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દીવ-દમણના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લામાંથી કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાના નેતૃત્વ હેઠળ કુલ છ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ છ ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જોષી રુદ્ર સચિનભાઈએ અંડર-14 વર્ષ કુમિતે 30 કિલોગ્રામ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મોડીયા બાર્લિન નિરવકુમારે અંડર-14 વર્ષ કુમિતે 30 કિલોગ્રામ વજન ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે નાયી સાન્વી કપિલભાઈએ અંડર-14 વર્ષ કુમિતે 40 કિલોગ્રામ વજન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ જીતીને જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કરાટે એસોસિએશન દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
