સત્તાવાર જાહેરાત:કચ્છ ભાજપ પ્રમુખની ટીમ માટે પ્રદેશ નિરીક્ષકોએ લીધો સેન્સ
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ કરાઈ. તેમની રાજ્યકક્ષાની ટીમના નામની ઘોષણા હજુ બાકી છે, પરંતુ રાજ્યભરના 82 જેટલા નિરીક્ષકો દ્વારા અલગ અલગ જિલ્લાની ટીમોની નિમણૂક માટે વ્યાયામ શરૂ થઈ ગયો છે. કચ્છ ભાજપ પ્રમુખ દેવજી વરચંદની ટીમ માટે શનિવારે પ્રદેશ નિરીક્ષકોએ રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છના ધારાસભ્યો સહિતનાઓ સાથે ચર્ચા પરામર્શ કરીને કોને સ્થાન આપવું તેના સેન્સ લીધા હતા. ભારતીય જનતા પક્ષે રાજ્ય સ્તરના પ્રદેશ પ્રમુખની નિમણૂક કર્યા બાદ જિલ્લાના પ્રમુખ અને તેમની ટીમ ઉપપ્રમુખ, મહામંત્રી, ખજાનચી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. જે અંતર્ગત પ્રદેશ નિરીક્ષકો હિરેનભાઈ હિરપરા, અશોકભાઈ જોશી તેમજ શુક્લા ભુજ ખાતેના ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છ ભાજપમાં આંતરિક રાજકીય કામગીરી, સ્વચ્છ છબી વગેરે તપાસ, વ્યક્તિગત મીટીંગ અને ચર્ચાઓને કારણે દિવસભર કમલમ ખાતે ધમધમાટ જોવા મળ્યો હતો. જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો સાથે આ બાબતે બેઠક કરી મહામંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી સહિત 20 જેટલા સભ્યોની નિયુક્તિ બાબતે યાદી તૈયાર કરીને પ્રદેશ સ્તરે મોકલવામાં આવશે. આ નામો પર મંજૂરીની અંતિમ મહોર લાગતા જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
