Gujarati News

સગીરા સાથે અડપલાં કરવા બદલ ટ્યુશન સંચાલકને સજા:ભુજ પોક્સો કોર્ટે 5 વર્ષની સખત કેદ અને ₹85,000નો દંડ ફટકાર્યો

Published: November 10, 2025 • Language: English

ભુજની પોક્સો કોર્ટે ધોરણ-6માં અભ્યાસ કરતી સગીરા સાથે ટ્યુશન ક્લાસમાં અડપલાં કરવા બદલ એક સંચાલકને સજા ફટકારી છે. આરોપી અબ્બાસ ખબીર મંડલને પાંચ વર્ષની સખત કેદ અને કુલ 85,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના 1 જાન્યુઆરી, 2025ના રોજ બની હતી. માધાપરના નવાવાસ, રામનગરીમાં રહેતો 65 વર્ષીય અબ્બાસ મંડલ પોતાના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. ભોગ બનનાર 11 વર્ષીય સગીરા, જે ધોરણ-6માં અભ્યાસ કરતી હતી, તે ટ્યુશન માટે આરોપીના ઘરે ગઈ હતી. ટ્યુશન રૂમમાં અન્ય કોઈ વિદ્યાર્થી હાજર ન હોવાથી, આરોપી અબ્બાસ મંડલે સગીરાને પોતાની પાસે બેસાડી અડપલા કર્યા હતા. આ ઘટના વિશે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 75(1)(1), 351(3) અને પોક્સો એક્ટ કલમ 9(m), 9(p), 10 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઝાલા દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ભુજ-કચ્છના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કરની અદાલતમાં આ કેસ ચાલી ગયો હતો. પ્રોસિક્યુશન તરફે 7 દસ્તાવેજી પુરાવા અને 8 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. અદાલતે આરોપીને વિવિધ કલમો હેઠળ સજા સંભળાવી હતી. BNS કલમ 75(1)(1) હેઠળ 3 વર્ષની સખત કેદ અને ₹25,000 દંડ, BNS કલમ 351(3) હેઠળ 1 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ, જ્યારે પોક્સો એક્ટ કલમ 9(m), 9(p), 10 હેઠળ 5 વર્ષની સખત કેદ અને ₹50,000 દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને ફટકારવામાં આવેલો કુલ ₹85,000નો દંડ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ભોગ બનનારને ₹1,00,000નું વળતર ચૂકવવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA) ને ભલામણ કરવાનો પણ હુકમ કર્યો છે. કોર્ટે ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) અને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) ને ભોગ બનનારનો સંપર્ક કરી તેના જીવન અને શિક્ષણને પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો રજૂ કરી હતી.

Read more

← Back to Home