Gujarati News

શૌચાલયની બારી તોડી નાસેલા કેદીને એક વર્ષની સજા:2019માં પાટણની ધારપુર હોસ્પિટલનાં કેદી વોર્ડનાં શૌચાલયની બારી તોડી નાસેલા કેદીને એક વર્ષની સજા

Published: November 11, 2025 • Language: English

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલનાં લોકઅપમાં આવેલા શૌચાલયમાં આવેલા વેન્ટીલેટર તોડી નાંખીને બારીમાંથી પોલીસની કાયદેસરની કસ્ટડીમાંથી પોલીસને થાપ આપીને તા. 2-6-2019 નાં રોજ રાત્રે 9:30વાગ્યાના સુમારે નાસી છૂટેલા આરોપી વિષ્ણુજી ભગવાનજી ઠાકોર (ઉ.વ. ૨૧) રે. જાખેલ, તા. સમીને પાટણની જ્યુડિસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ દોષિત ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. જયારે આ કેસનાં અન્ય ચાર પોલીસ કર્મચારીઓ એએસઆઈ અનિલભાઈ, રમેશભાઈ, કરણસિંહ તથા સતિષભાઈને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ કે.સી. વકીલ તથા છોડી મૂકેલા આરોપીઓના વકીલ આર.એસ. વણકરે રજૂઆત કરી હતી. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીનો ગુનો ગંભીર ગુના અને ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હોય કાયદામાં જણાવ્યા મુજબની પૂરેપૂરી સજા કરવા દલીલ કરી હતી. પાટણની કોર્ટે બંને પક્ષોની રજૂઆતો ધ્યાને લઈને પોતાનાં 31 પાનાનાં ચૂકાદામાં જણાવ્યું હતું કે, આરોપી વિષ્ણુજી ઉપર આક્ષેપાયેલ સજાની જોગવાઇ તેમજ ફરીયાદ હકીકત તેમજ ક્રિમીનલોજીનાં સિધ્ધાંતો ધ્યાને લેતાં આરોપી દ્વારા પોતાની કાયદેસરની કસ્ટડીમાંથી ઇરાદપૂર્વક પ્રયત્ન કર્યો છે અને ભાગી ગયેલ છે. જે અંગે રેકર્ડ ઉપર સ્પષ્ટ પૂરાવો છે. ત્યારે આવા ગંભીર ગુના સબબ પ્રોબેશનનો લાભ આપવો પણ ઉચિત જણાતો નથી. તથા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે સંજોગોમાં આરોપીને પ્રોબેશનનો લાભ આપીને છોડી મૂકવામાં આવે તો સમાજમાં તેમજ કસ્ટડીમાં રહેલ કેદીઓમાં ખોટો સંદેશ જાય. આ કેસની વિગતો એવી છે કે, આરોપી વિષ્ણુજી પાટણની સબજેલમાં હતો ત્યારે તેને ચક્કર આવતા હોવાની તથા અન્ય બિમારીની ફરીયાદને કારણે પોલીસ જાપ્તા સાથે પાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે લઇ જવાયા બાદ તે હોસ્પિટલનાં કેદીવોર્ડનાં સંડાસની બારી તોડીને નાસી ગયો હતો. આરોપી પાટણ એલસીબીનાં કોઇ કેસમાં બનાવ વખતે સબજેલમાં હતો તે ભાગી છૂટતાં તેની તથા તેની સાથેનાં પોલીસ કર્મચારીઓ સામે આઇપીસી ૨૦૨૩/૨૨૪/૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો. આરોપીને આઇપીસી ૨૨૪ અંતર્ગત એક વર્ષની સજા ફટકારી હતી.

Read more

← Back to Home