શૈક્ષણિકધામ ઉભું કરાશે:પાલનપુરમાં કોંગ્રેસ-ભાજપને એક બાજુ મૂકી ઠાકોર સમાજના નેતા એકમંચ થયા, શૈક્ષણિક ધામ બનાવવા 2 કલાકમાં રૂ.1 કરોડ એકત્ર
પાલનપુરના ચડોતરમાં શુક્રવારે ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું હતુ. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, અગ્રણીઓ સહિત સમાજના લોકો એકમંચ થયા હતા. જેમણે આગામી સમયમાં પાલનપુર નજીક બૃહદ બનાસકાંઠાનું શૈક્ષણિક ધામ બનાવવા માટે પહેલ કરતાં જ માત્ર બે કલાકમાં રૂપિયા 1 કરોડનું દાન એકત્ર થઇ ગયું હતુ. હવે બાકીની રકમ માટે ગામેગામ શૈક્ષણિક રથ ફેરવી ઘર દીઠ રૂપિયા 500નો ફાળો એકત્ર કરવામાં આવશે. પાલનપુર તાલુકાના ચડોતર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા શુક્રવારે નવાવર્ષનું સ્નેહમિનલ યોજાયું હતુ. જેમાં ઠાકોર સમાજના ભાજપ, કોંગ્રેસના નેતા ગાંધીનગર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેસાજી ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, મુકેશભાઈ ભરવાડ, મેરૂજી ઘૂંખ, સેનજીજી દેલવાડીયા સહિત સમાજના વિવિધ ગોળના પ્રમુખો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ ઉપરથી બૃહદ બનાસકાંઠાનું પાલનપુર નજીક શૈક્ષણિક ધામ બનાવવા માટે ટહેલ નાંખવામાં આવતાં જ રાજકીય નેતાઓ અને સામાજીક અગ્રણીઓએ બે કલાકમાં દાનની સરવાણી વહેવડાવી રૂપિયા 1 કરોડની રકમ એકત્ર કરી હતી. હવે સમગ્ર બનાસકાંઠામાં શૈક્ષણિક રથ નીકાળી ઘરેઘરેથી રૂપિયા 500નો ફાળો એકત્ર કરવામાં આવશે. ઠાકોર સમાજના નેતા – અગ્રણીઓ એકમંચ થયા હતા. 26 જાન્યુઆરી ગાંધીનગરમાં રાત્રે 3 વાગ્યે સભા
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે, સેનાના ઉપાધ્યક્ષ સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. આગામી 26 જાન્યુઆરી 2026એ ગાંધીનગરના મેદાનમાં રાત્રે 3.00 કલાકે જંગી સભા યોજાશે. જેની પાછળનો આશય એ છે કે, હવે આગામી સમય શિક્ષણનો છે. યુવાનોએ રાત – દિવસ મહેનત કરવી પડશે તે સંદેશો આપવા માટે આ સભાનું આયોજન થશે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ઠાકોર સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહેશે.
