શું આ છે વિકસિત ગુજરાત ?:વિકસિત ગુજરાત ! ચીખલીના 10,668 બાળકોની દેખરેખ કરતી CDPO કચેરી 7 વર્ષથી જર્જરિત ગોડાઉનમાં કાર્યરત
ચીખલી તાલુકામાં આંગણવાડીઓના સંચાલન માટે ઘટક-1,2 અને 3 જેટલા ઘટક કક્ષાના બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી આવી છે. આ ત્રણેય ઘટકના તાબામાં 395 જેટલી આંગણવાડીઓમાં 10,668 જેટલા ભૂલકાઓ કારકિર્દી ઘડતરના પ્રથમ પગથિયા પર પાપા-પગલી ભરી રહ્યા છે. આંગણવાડીઓમાં ભૂલકાઓને કેળવણી સાથે ભૂલકાઓ કુપોષિત ન રહે તે માટે પોષણક્ષમ આહાર પણ આપવામાં આવતો હોય છે. આ આંગણવાડીઓનું સંચાલન કરતી કચેરીના તાલુકા મથકે મકાન જ ઉપલબ્ધ નથી. એક સમયે બાળ વિકાસ યોજના અધિકારીના તમામ ઘટકોની કચેરી તાલુકા પંચાયતના મકાનમાં કાર્યરત હતી પરંતુ જે તે સમયે તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત હોય એ મકાનમાં કાર્યરત તમામ કચેરીઓ વૈકલ્પિક ધોરણે બીજા મકાનમાં ખસેડાઇ હતી. જોકે તાલુકા પંચાયતની કચેરી તો નવા મકાનમાં ધમધમતી થઈ ગઈ હતી પરંતુ વર્ષ 2018થી બાળ વિકાસ યોજનાના અધિકારીની કચેરી જ્યાં ખસેડાઇ હતી ત્યાં જ ખૂંધ ગામમાં આવેલા એક જર્જરિત ગોડાઉનમાં આજેપણ કાર્યરત છે. આમ તમામ આંગણવાડીઓની દેખરેખ રાખનાર વડી કચેરી છેલ્લા સાત વર્ષથી ખખડધજ ગોડાઉનમાં મકાનમાં ચાલી રહી છે, જે ખરેખર વિકસિત ગુજરાતમાં શરમજનક જ કહી શકાય. જોકે બાળ વિકાસ યોજના અધિકારી શારદાબેન સહિતના સ્ટાફે કચેરીના નવા મકાન માટે તાલુકા કક્ષાએ જમીન ઉપલબ્ધ થાય તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન સાધી પ્રયત્નો હાથ ધર્યા હતા અને તેમાં કંઇક અંશે સફળતા મળતા ઘટક એક અને ત્રણની કચેરીના મકાન માટે ચીખલીમાં જૂની મામલતદાર કચેરીના બાજુમાં જગ્યા ઉપલબ્ધ કરાવાઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેમ છતાં નવા મકાનના બાંધકામ માટે સરકાર દ્વારા ગ્રાંટ ફાળવાઇ નથી. ઘટક-1, 3 માટે જમીન મેળવી, હવે ગ્રાન્ટની રાહ જોવાઇ રહી છે
ચીખલીમાં ઘટક-1 અને 3 માટે જમીન મેળવી ઉપલી કચેરીએ દરખાસ્ત કરી છે. જેમાં સરકાર દ્વારા ગ્રાંટ ઉપલબ્ધ થતા નવા મકાનનું કામ શરૂ થઈ શકશે. જ્યારે ઘટક-2 માટે જમીન ઉપલબ્ધ કરાવવા દરખાસ્ત કરી છે. > શારદાબેન, સીડીપીઓ
