‘શહેર લોહિયાળ બન્યું ને કમિશનર એસી ઓફિસમાંથી બહાર નીકળતા નથી’:રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા કોંગ્રેસ દ્વારા CP કચેરીનો ઘેરાવ, રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર
રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ધ્યાને લઈને આજે શહેર કોંગ્રેસ જિલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી CPનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. ભાજપની દલાલી બંધ કરોના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. આ તકે મહિલાઓએ છાજીયા લીધા હતા,તો રાજકોટની સ્થિતિ યુપી અને બિહાર જેવી બની ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ તકે રામધૂન પણ બોલાવવામાં આવી હતી. ‘કમિશનર એસી ઓફિસમાંથી બહાર નીકળતા નથી’
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં હત્યાઓ થઈ. શહેર લોહિયાળ બન્યું છે ત્યારે પોલીસ કમિશનર એસી ઓફિસમાંથી બહાર નીકળતા નથી. ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે હરીફાઈ થઈ રહી હોય તે રીતે રાજકોટમાં હત્યાઓ અને ફાયરિંગ થઈ રહ્યા છે. ગૃહમંત્રી પણ માત્ર વાતો જ કરે છે. રાજકોટ શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહમંત્રીએ એક પણ નિવેદન આપ્યું નથી. ‘ભ્રષ્ટ ભાજપ નહીં સુધરે તો સરકારને લોકો ઉખાડી ફેંકશે’
રાજકોટ શહેરની કથળતી સ્થિતિ નહીં સુધરે તો આગામી સમયમાં ભ્રષ્ટ ભાજપ સરકારને લોકો ઉખાડી ફેંકશે. લોકોએ મન બનાવી જ લીધું છે. દિવાળીના તહેવારોમાં રાજકોટ લોહિયાળ બન્યું છે. પોલીસ હાલ હપ્તાખોરીમાં પડી છે ત્યારે પોલીસ કમિશનર ક્યાંય દેખાયા નથી.
