શહેરના ત્રણ સ્થળેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, 10 આરોપી સકંજામાં:સચિન GIDCમાં 720 ગ્રામ, પાનની દુકાનમાંથી 23 ગ્રામ જથ્થો જપ્ત; પાલમાં બિલ્ડીંગમાંથી 3.92 ગ્રામ સાથે 7 ઝડપાયા
સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા ‘નો ડ્રગ ઈન સુરત’ મેગા ઓપરેશનને મોટી સફળતા મળી છે. ચોકબજાર, પાલ અને સચિન GIDC વિસ્તારમાંથી લાખો રૂપિયાના હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રેસ્ટોરન્ટના ધંધાર્થી, ટેક્સટાઇલ માર્કેટમાં કર્મચારીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થી શામેલ છે. પાન માવાની દુકાનમાંથી 23 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો
ચોકબજાર સર્વેલન્સ ટીમે સિંગણપોર રોડ પર આવેલા જગજીવન નગરમાં ગોલ્ડન જોન પાન માવાની દુકાન પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે દુકાનદાર જીતુભાઇ નાગજીભાઇ ધામેલીયા (ઉ.વ. 52) ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જીતુભાઇ પાસેથી 23 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 69,000 આંકવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 1,19,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સિગારેટ પીવા આવતો યુવક આપતો
પૂછપરછમાં જીતુભાઇએ કબૂલ્યું કે, આ માદક પદાર્થ તેને તેની દુકાન પર સિગારેટ પીવા આવતો ધ્રુવ પ્રફુલભાઇ પટેલ (રહે. ડભોલી) આપતો હતો. પોલીસે ધ્રુવ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, પકડાયેલા આરોપી જીતુભાઈનો ભૂતકાળ ગુનાહિત છે અને તેના વિરુદ્ધ વલ્લભીપુર અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પાલમાં હાઈ-ફાઈ બિલ્ડીંગમાંથી 7 યુવાનો ઝડપાયા
ડ્રગ્સના વેપલાનું બીજું નેટવર્ક પાલ વિસ્તારના ગૌરવપથ રોડ પરની હાઈ-ફાઈ બિલ્ડીંગમાંથી ઝડપાયું છે. પાલ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે સાંત્વન સર્કલ પાસેની ઈવોક બિલ્ડીંગના બીજા માળે આવેલી દુકાન નં. 213 ખાતેથી ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે દરોડો પાડીને ગાંજો વેચનાર મુખ્ય આરોપી ધર્મરાજ ભરતભાઇ જગડ (ઉ.વ. 19) સહિત ગાંજાની ખરીદી કરવા આવેલા અન્ય 6 યુવાનોને ઝડપી પાડ્યા હતાં. આરોપી ધર્મરાજ પાસેથી 3.92 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત
ઝડપાયેલા યુવાનોમાં રેસ્ટોરન્ટના ધંધાર્થીથી માંડીને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા કર્મચારીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (રચીત પાંડવ અને રિધમ ચોહાણ)નો પણ સમાવેશ થાય છે. પોલીસે ધર્મરાજ પાસેથી 3.92 ગ્રામ હાઈબ્રિડ ગાંજો (કિં. રૂ. 11,760 ) જપ્ત કર્યો હતો. સાતેય આરોપીઓ પાસેથી ૭ મોબાઈલ, રોકડા રૂ. 27,000 અને બે વાહનો મળીને કુલ રૂ. 2,16,760 નો મુદ્દામાલ કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સચિન GIDCમાં 720 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો
ત્રીજા એક ઓપરેશનમાં, સચિન GIDC વિસ્તારમાં પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડ્યો છે. બાતમીના આધારે તલંગપુર રોડ પર આવેલ માંગીલાલની ચાલ, શિવાંજલી ખાતેના રૂમ નં. 21 પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી મૂળ બિહારના રહેવાસી અજયકુમાર બુધુ મંડલ (ઉ.વ. 27) ને પોલીસે પકડી પાડ્યો હતો. અજયકુમાર પાસેથી 720 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 36,000 આંકવામાં આવી છે. પોલીસે ગાંજા સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 41,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો મારફતે ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કને તોડવામાં પોલીસને આ એક મોટી સફળતા મળી છે.
