'શહીદ જવાનને ન્યાય આપો':વડગામના જીગ્નેશ ચૌધરીની હત્યા મામલે VHPની શોકસભા અને ન્યાય યાત્રા યોજાઈ
બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની હત્યા બાદ ન્યાયની માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શોકસભા અને ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા બાદ વડગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું. શહીદ જવાન જીગ્નેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કાજે ફરજ બજાવતા હતા. તેઓ રજા પર પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે બિકાનેર નજીક ટ્રેન મુસાફરી દરમિયાન ટ્રેન એટેન્ડન્ટ દ્વારા છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે શહીદ જવાનના પરિવાર સહિત હિન્દુ સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. આજે વડગામ માર્કેટ યાર્ડ ખાતે શહીદ જીગ્નેશ ચૌધરીની યાદમાં VHP દ્વારા શોકસભા યોજાઈ હતી. ત્યારબાદ માર્કેટ યાર્ડથી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી. આ ન્યાય યાત્રામાં VHPના આગેવાનો, મહંતો અને મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા. તેમણે શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને ન્યાય મળે, હત્યારાઓને કડકમાં કડક સજા થાય, પરિવારને આર્થિક સહાય મળે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
