વોર્ડ નંબર-3માં પ્રાથમિક સુવિધાનો અભાવ:રાજકોટની રુદ્ર રેસિડેન્સીનાં રહીશોનો થાળી વગાડી વિરોધ, રોડ-રસ્તા સહિતની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ
રાજકોટના વોર્ડ નંબર 3ના રેલનગર વિસ્તારમાં આવેલી રુદ્ર રેસિડેન્સીના સ્થાનિકો દ્વારા આજે રોડ-રસ્તા અને ગંદકીના ગંભીર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ થાળી વગાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં તેમની સમસ્યાઓનું કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અને રોડ-રસ્તા તેમજ સફાઈ સહિતની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્થાનિક રહેવાસી જિયા પરમારે જણાવ્યું હતું કે, આ સોસાયટી છેલ્લા 2-3 વર્ષથી બનેલી છે, પરંતુ અહીંની સમસ્યાઓ અપાર છે. તેમાં પણ મુખ્ય સમસ્યાઓ રોડ-રસ્તા અને ગેટ ઉપર એકઠો થતો કચરો છે. મેઇન ગેટની પાસે એટલો બધો કચરો એકઠો થાય છે કે ત્યાંથી ચાલીને જવું પણ મુશ્કેલ બની જાય છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે તેમાં મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વૃદ્ધો અને અન્ય રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. વધુમાં તેમણે જણાવ્યું કે રોડ-રસ્તા અને સફાઈને લઈ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અને કોર્પોરેટરોને સતત ફરિયાદો અને લેખિત અરજીઓ પણ આપવામાં આવી છે. જેને લઈને હોદ્દેદારો સ્થળનું નિરીક્ષણ કરવા માટે આવે પણ છે અને તેમને એ વાતની પણ જાણ છે કે અહીં ગંભીર સમસ્યાઓ છે. જોકે, સમસ્યાનો સ્વીકાર કરવા છતાં સમાધાનના નામે મીંડુ છે. આજ સુધી તેમને એવો કોઈ જવાબ મળ્યો નથી કે, ચાલો, તમારું કામ થઈ ગયું છે. વિસ્તારમાં રોડ-રસ્તા ઉપરાંત અન્ય એક ગંભીર સમસ્યા સફાઈ અને ઘાસની છે. સોસાયટીની આસપાસ અને ખાલી જગ્યાઓમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ ઉગી નીકળ્યું છે. આ ઘાસના કારણે જીવજંતુઓ અને સાપનો ઉપદ્રવ વધી ગયો છે, જે રહેવાસીઓના ઘર સુધી પહોંચી જાય છે. આ વિસ્તારમાં નાના બાળકો રહેતા હોવાથી તેમના માતા-પિતા માટે આ એક સલામતીનો ગંભીર પ્રશ્ન છે. નાના બાળકોને બહાર રમવા દેવા પણ જોખમી બની ગયા છે. આ અંગે પણ તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જિયા પરમારે રુદ્ર રેસિડેન્સીના તમામ રહેવાસીઓ વતી સ્પષ્ટ માંગણી કરી છે કે, તેમની મુખ્ય માંગ તાત્કાલિક ધોરણે રોડ-રસ્તા બનાવી આપવા અને કચરાના પ્રશ્નનું કાયમી સમાધાન કરવાની છે. સાથે જ, ઘાસ અને જીવ જંતુઓના ઉપદ્રવને દૂર કરવા સફાઈ કરીને બાળકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ ચેતવણી આપી છે કે જો તંત્ર ઝડપથી કોઈ પગલાં નહીં ભરે, તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. ત્યારે હવે તંત્ર દ્વારા આ અંગે ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
