Gujarati News

વેરાવળના આદરી બીચ પર મોટી દુર્ઘટના:પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન દરિયમાં 5 લોકો તણાયા, 1 યુવતી લાપતા; શોધખોળ ચાલું

Published: November 7, 2025 • Language: English

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીના કારણે ચાર યુવકોને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફોટોશૂટ દરમિયાન અચાનક ઊંચી લહેરો આવી
પ્રાથમિક માહિતી મુજબ, વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ યુવક-યુવતીઓનો સમૂહ ફોટોશૂટ માટે બીચ પર આવ્યો હતો. ફોટોશૂટ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઉછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ચાર યુવકોનો આબાદ બચાવ, યુવતીની શોધખોળ ચાલું
ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સંયુક્ત બચાવ કામગીરીના પરિણામે પાંચ પૈકી ચાર યુવકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર, રહે: નવાપરા ગામ, હજુ પણ લાપતા છે. દરિયામાં લાપતા બનેલ યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરીના લગ્ન હતા અને વર પક્ષ અને વધુ પક્ષના લોકો પ્રિવેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીચ પર સુરક્ષા વ્યવસ્થાની માંગ
આદરી બીચ પર આ ઘટનાથી સ્થાનિકોમાં ઊંડી ચિંતા વ્યાપી છે. લોકો દ્વારા તંત્ર સમક્ષ દરિયા કિનારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ લગાવવા અને ગાર્ડ્સની નિમણૂક કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી રહી છે.

Read more

← Back to Home