Divya Bhaskar Gujarat

વેજલપુર પોલીસે કાલંત્રા ગામમાંથી 250 કિલો ગૌમાંસ ઝડપ્યું:દરોડામાં એક આરોપી પકડાયો, એક કિશોર કાયદાના સંઘર્ષમાં

Published: November 4, 2025 • Language: English

વેજલપુર પોલીસે કાલંત્રા ચીમનાપુરા ગામની સીમમાંથી 250 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં એક આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 85,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા ગૌવંશ અને ગૌમાંસની ગેરકાયદેસર હેરાફેરી તથા કતલની પ્રવૃત્તિઓ રોકવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે વેજલપુર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ, વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.વી. પટેલને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, કાલંત્રા ચીમનાપુરા ગામની સીમમાં મોટા તળાવ પાછળના ખુલ્લા ખેતરમાં સલમાન હસન ભોળા અને સોહેલ અહેમદ પાડવા ગૌવંશનું કતલ કરવાના હતા. આ બાતમીના આધારે વેજલપુર પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 250 કિલો ગૌમાંસ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સોહેલ અહેમદ પાડવા (ઉંમર 27, રહે. મોટા મોહલ્લા, વેજલપુર) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પકડ્યા હતા. જોકે, સલમાન હસન ભોળા (રહે. વેજલપુર પ્લોટ વિસ્તાર) સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2011 (2017ના સુધારા)ની કલમ 8(2), 8(4), 10, તેમજ B.N.S. 325 અને જી.પી. એક્ટ કલમ 119 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read more

← Back to Home