Gujarati News

વિજયનગરમાં કારમાંથી 7.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બે આરોપીઓની ધરપકડ, કુલ 10.84 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ફરાર

Published: November 10, 2025 • Language: English

વિજયનગર પોલીસે જાલેટી ત્રણ રસ્તા પાસેથી એક કારમાંથી રૂ. 7.74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે કુલ રૂ. 10.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક હ્યુન્ડાઇ I-20 કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિજયનગરના જાલેટી ત્રણ રસ્તા થઈ પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે જાલેટી ત્રણ રસ્તા ખાતે ખાનગી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન વિજયનગર મામલતદાર કચેરી તરફથી GJ.05.RF.0332 નંબરની હ્યુન્ડાઇ I-20 કાર આવતા તેને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતા પાછળની સીટ અને ડીકીમાંથી અલગ અલગ બ્રાન્ડની 2267 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,74,620 થાય છે. દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 10,000ના બે મોબાઈલ ફોન અને રૂ. 3,00,000ની હ્યુન્ડાઇ I-20 કાર પણ જપ્ત કરી હતી. આમ, પોલીસે કુલ રૂ. 10,84,620નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે કાર ચાલક સહિત બે આરોપીઓ, વીરેન્દ્રસિંગ માલમસિંગ રાજપુત (ઉં.વ. 35, રહે. જોધપુર, રાજસ્થાન) અને અશોક કેરારામ જાટ (ઉં.વ. 32, રહે. ઓલ્વી, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. દારૂ ભરી આપનાર દીપુભાઈ નામનો ઈસમ (રહે. ઉદેપુર, રાજસ્થાન) ફરાર છે, જેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read more

← Back to Home