Divya Bhaskar Gujarat

વારાહીમાં 3.21 લાખની ચોરી:ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના ચોરાતા પોલીસ ફરિયાદ

Published: November 4, 2025 • Language: English

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ગૌરવકુમાર અશોકભાઈ સુથારના ઘરમાંથી 3,21,000ના મુદ્દામાલની ચોરી થઈ છે. અજાણ્યો ચોર રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરી 30 ઓક્ટોબર 2025 ના બપોરના 02:00 વાગ્યાથી 31 ઓક્ટોબર 2025 ના રાત્રીના 08:30 વાગ્યાના સમયગાળા દરમિયાન થઈ હતી. વારાહી ભરવાડ મંદિર સામે રહેતા 32 વર્ષીય ગૌરવકુમાર અશોકભાઈ સોમાભાઈ સુથારે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ચોર ઈસમ ઘરની તિજોરીમાંથી ₹ 33,000 રોકડા, ₹ 2,10,000ની કિંમતનું એક સોનાનું મંગળસૂત્ર, ₹ 30,000ની બે સોનાની બુટ્ટી, ₹ 25,000ની અંબે માતાજીની ચાંદીની મૂર્તિ, ₹ 15,000ની બે ચાંદીની ઝાંઝર, ₹ 5,000ની બે ચાંદીની લક્કી, ₹ 2,000ની એક ચાંદીની રુદ્રાક્ષ માળા અને ₹ 1,000નો એક ચાંદીનો સિક્કો ચોરી ગયો હતો. આમ કુલ ₹ 3,21,000નો મુદ્દામાલ ચોરાયો હતો. ચોરીની જાણ થતાં જ ફરિયાદીએ તાત્કાલિક વારાહી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

Read more

← Back to Home