Gujarati News

વલસાડ GIDC પોલીસે 8.30 લાખથી વધુનો મુદ્દામાલ પરત કર્યો:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 29 અરજદારોને સામાન મળ્યો

Published: November 11, 2025 • Language: English

વલસાડ GIDC પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 29 અરજદારોને રૂ. 8.30 લાખથી વધુનો ગુમ થયેલો મુદ્દામાલ પરત કર્યો છે. આ કામગીરી દ્વારા પોલીસે પ્રજાલક્ષી અભિગમ અપનાવી લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. વલસાડ જિલ્લામાં પોલીસ અને પ્રજાજનો વચ્ચે તાદાત્મ્ય વધારવા માટે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ સૂત્રને સાર્થક કરવા ગુમ થયેલા સામાનને મૂળ માલિકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરાયા હતા. વાપી ડિવિઝનના DySP બી.એન. દવેએ તમામ પોલીસ સ્ટેશનોને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી હતી. વાપી GIDC પોલીસ મથકના PI અમીરાજસિંહ જે. રાણાના નેતૃત્વ હેઠળની ટેકનિકલ સર્વેલન્સ ટીમે આ દિશામાં સક્રિય કામગીરી કરી હતી. પોલીસ ટીમે CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને કુલ 27 મોબાઈલ ફોન, 1 યમાહા R15 મોટરસાઈકલ અને 10 એલ્યુમિનિયમ ડાઈ સહિત રૂ. 8.30 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. કોર્ટમાંથી મંજૂરી મેળવી આ સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તેના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યો. પોતાનો ગુમ થયેલો કિંમતી સામાન પાછો મળતાં અરજદારોએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

Read more

← Back to Home