વલસાડ હાઈવે પર અશ્લીલ વર્તન કરતી બે મહિલાઓ ઝડપાઈ:સરોધી નજીક ઢાબા પાસે આવતા-જતા લોકોને અશ્લીલ ઈશારા કરતી હતીને પોલીસ પહોંચી
વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર જાહેરમાં અશ્લીલ વર્તન કરતી બે મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. શુક્રવારની રાત્રે સરોધી ગામ નજીક ઢાબા પાસે પેટ્રોલિંગ દરમિયાન આ મહિલાઓ ઝડપાઈ હતી. પોલીસ ટીમે જોયું કે ઢાબા નજીક ઉભેલી આ બંને મહિલાઓ આવતા-જતા લોકોને અશ્લીલ ઈશારા અને હાવભાવ કરી રહી હતી. આથી પોલીસે સ્થળ પર જ પંચોની હાજરીમાં તેમને ઝડપી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને મહિલાઓ હાલ ગુંદલાવમાં રહે છે અને મૂળ આસામની વતની છે. વલસાડ રૂરલ પોલીસે બંને મહિલાઓના નિવેદન નોંધી ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી હાઈવે વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અશ્લીલ વર્તનની ઘટનાઓમાં વધારો થયો છે. આવી પ્રવૃત્તિઓને રોકવા માટે રૂરલ પોલીસ નિયમિત પેટ્રોલિંગ કરી રહી છે અને આગામી દિવસોમાં પણ કડક ચકાસણી ચાલુ રાખવામાં આવશે.
