News For India – Gujarat
Loading…

વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો:પૂર્વ કરજણ શહેર ભાજપ ઉપપ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા, હિરેનસિંહ સિંધાની વડોદરા જિલ્લા આપના પ્રમુખપદે નિમણૂક

પૂર્વ કરજણ શહેર ભાજપ ઉપપ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાતા કરજણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હિરેનસિંહ સિંધા વડોદરા જિલ્લા આપના પ્રમુખપદે નિમણૂક કરવામાં આવી છે. હિરેનસિંહ સિંધાએ આક્ષેપ કર્યા છે કે ભાજપમાં જુના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે અને પાર્ટીની વિચાર ધારા બદલાઈ ગઈ છે, જેથી ભાજપ છોડીને આપમાં જોડાયો છું. કરજણ શહેર આપ પ્રમુખે ખેસ પહેરાવીનેહિરેનસિંહ સિંધાનું સ્વાગત કર્યું હતું. આપ પાર્ટીના નેતાઓ દ્વારા વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે હિરેનસિંહ સિંધાની જાહેરાત કરવામાં આવી છે. કરજણ શહેર ભાજપના પૂર્વ ઉપ પ્રમુખે ભાજપને રામરામ કરી આપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. હિરેનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે, 2005થી હું ભાજપમાં કાર્યકર હતો. 2007માં હું કોર્પોરેશનની ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો. 2012માં હું કરજણ શહેર ઉપપ્રમુખ રહી ચૂક્યો છું. 2012માં ભાજપને વિધાનસભા બેઠક જીતાડવામાં પણ મારો મહત્વનો ફાળો રહ્યો છે, તેમ છતાં પણ જૂના કાર્યકર્તાઓની આ લોકોએ હર ઘડીએ અવગણના કરી છે. આગળ વધવાનો કોઈ ચાન્સ કોઈને આપતા નથી. પ્રજાનું કોઈ કામ થતું નથી, સાંભળતા નથી. એટલા માટે એની વિચારધારા પણ ભાજપની બદલાવા લાગી છે. એ જ વિચારધારા જે સારી હતી અને આમ આદમી સારી પાર્ટી છે. એની વિચારધારા સારી લાગી હતી. એટલે અમે વિચાર્યું કે આ પાર્ટીમાં જાવું સારું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કોઈપણ કામ હશે, તો અમે કરવા માટે તૈયાર છીએ. તાલુકા અને જિલ્લાના જે પ્રશ્નો દબાઈ રહ્યા છે. એ પ્રશ્નોને અમે આગળ લાવીશું અને આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ અમે કરીશું. આજે કરજણથી વડોદરા જવું હોય તો માણસને માથાનો દુખાવો થઈ ગયો છે. આખો રોડ ખરાબ થઈ ગયો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ટોલ નાકાના પ્રશ્નો લઈને અમે આગળ આંદોલન કરીશું. હું ડભોઈ, પાદરા, વાઘોડિયા, સાવલી અને ડેસર બધા તાલુકાના ભાજપના 200થી 300 કાર્યકર લઈને આપમાં જોડાયો છું. અને મને આપ પાર્ટીએ જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી છે. હું તન-મન-ધનથી કામ કરીશ. અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ અને ભાજપને જડબાતોડ જવાબ આપીશું.

Read more