વડોદરામાં 25 વર્ષે માતાને દીકરો મળ્યો પણ મૃત હાલતમાં:નોકરી પર ગયો ને પાછો જ ન આવ્યો, મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીએ પરિવાર સુધી પહોંચાડ્યો
વડોદરાના ગોરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ બિનવારસી હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકના મૃતદેહની ઓળખ 25 વર્ષ પહેલાં ઘર છોડીને ગુમ થયેલા શૈલેન્દ્ર પંચાલ તરીકે થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. યુવક 25 વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયો હતો અને મર્યા બાદ પરિવારને મળતા માતા દુ:ખી થઈ ગયા હતા અને હોસ્પિટલમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં લખેલા સરનામાના આધારે આ દુઃખદ ઘટના સામે આવી હતી. દશા માતાજીના મંદિર પાસેથી બે દિવસ અગાઉ મૃતદેહ મળ્યો
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશા માતાજીના મંદિર પાસેથી બે દિવસ અગાઉ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના વડા ડો. હિતેશ રાઠોડે મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં મૃતકના ઘરનું સરનામું લખેલું હતું. ડો. રાઠોડે આ માહિતી તુરંત ગોરવા પોલીસને આપી હતી. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીના આધારે સરનામુ મળ્યું
આ કડીના આધારે ગોરવા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે સરનામાના આધારે પરિવારને શોધી કાઢ્યો અને તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક 25 વર્ષથી ગુમ થયેલા શૈલેન્દ્રભાઈ પંચાલ છે. પરિવારે મૃતદેહની ઓળખ પુત્ર તરીકે કરી હતી. જ્યારે પોલીસે પરિવારને આ બનાવની જાણ કરી, ત્યારે માતા ધર્મિષ્ઠાબેન અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. વર્ષોથી ગુમ થયેલો દીકરો પાછો મળ્યો, પરંતુ તે મૃત હાલતમાં મળ્યો. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હોસ્પિટલમાં જઈને મારા દીકરાની લાશને જોઈ
મૃતક શૈલેન્દ્રના માતા ધર્મિષ્ઠાબેન પંચાલે જણાવ્યું હતું કે, મારો દીકરો વર્ષો પહેલા ખાનગી કંપનીમાં નોકરી માટે ગયો હતો. જોકે,નોકરી પરથી તે ઘરે પરત આવ્યો નહોતો. ત્યારબાદ અમે તેની ખૂબ જ શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો. આ દરમિયાન અમને મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળ્યા હતા. પોલીસ અમારા ઘરે આવી હતી અને મેં હોસ્પિટલમાં જઈને મારા દીકરાની લાશને ઓળખી બતાવી હતી. તે મારો છોકરો જ હતો. યુવક 25 વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો હતો
ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના વડા ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, ગોરવા વિસ્તારમાંથી મળેલા મૃતદેહના જેકેટમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં એક એડ્રેસ લખેલું હતું એ અમે પોલીસને આપ્યું હતું. આ દરમિયાન એક યુવક 25 વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો હતો. તેનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. કોર્પેોરેટરે પરિવારને સહારો આપ્યો
સ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે, ગોરવા શાકમાર્કેટ પાસેથી બિનવારસી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ગોરવા વિસ્તારમાં આવેલ અનમોલ પાર્કમાં રહેતા પરિવારના પુત્રનો હોવાનું જાણવા મળ્યું હતું. આ મૃતદેહને તેના ઘર સુધી પહોંચાડવા માટે શબવાહિની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત અંતિમ સંસ્કાર કરવા માટેની વ્યવસ્થા પણ કરીશું. આ ઘટનાની જાણ થતાં તેઓ કૈલાશ રથ લઈને ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડી પરિવારને સહારો આપ્યો હતો. બિનવારસી મૃતદેહોને પરિવાર સુધી પહોંચાડવામાં શ્રીરંગ આયરે હંમેશા મદદરૂપ બને છે.
