વડોદરામાં પાલિકા દ્વારા નિર્મિત પ્રથમ ક્રિકેટ ગ્રાઉન્ડ મળશે:શહેરના ગોત્રીમાં અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે, અંદાજિત 6 કરોડના ખર્ચે વિશ્વકક્ષાની સુવિધાઓ હશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કાર્ય અંદાજે બે મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ગ્રાઉન્ડ યુવા ક્રિકેટરોને શ્રેષ્ઠ તાલીમ અને મેચ રમવા માટેનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે, જે વડોદરાને રાષ્ટ્રીય ક્રિકેટ કક્ષાએ વધુ મજબૂત બનાવશે. વડોદરા શહેરનો ક્રિકેટ સાથે અનોખો સંબંધ છે. આ શહેરે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક ક્રિકેટ ખેલાડીઓ આપ્યા છે અને હાલ પણ મોટી સંખ્યામાં યુવા ક્રિકેટરો આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા તત્પર છે. આ પ્રોજેક્ટ શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનો ભાગ છે, જેનાથી નાગરિકોને સીધો લાભ મળશે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ ટી.પી. 10, એફ.પી. 128 ખાતે કુલ 41707 ચો.મી. વિસ્તારમાં બનશે. મુખ્ય વિશેષતાઓ – મેદાન અને પીચ: 84 x 99 મીટર વર્તુળમાં 1 ક્રિકેટ ગ્રાઉન્ડ, કુલ 11 પીચ (5 મુખ્ય પીચ અને 9 પ્રેક્ટિસ પીચ). – પેવેલિયન બિલ્ડિંગ: 550 ચો.મી. બિલ્ટ-અપ વિસ્તારમાં અત્યાધુનિક પેવેલિયન, જેમાં કોચિંગ રૂમ, રિફ્રેશમેન્ટ એરિયા, વોટર રૂમ, પુરુષ-મહિલા વોશ એરિયા, રજિસ્ટ્રેશન ઓફિસ, કાર્બન-મુક્ત કાચનું પાર્ટીશન, પાર્કિંગ અને વોશરૂમની પૂરતી જગ્યા સહિત વિશ્વકક્ષાની સુવિધાઓ હશે – પ્રેક્ષકો માટે: કાયમી લો-લેવલ સ્ટેન્ડ – અન્ય સુવિધાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશદ્વાર, સિક્યુરિટી કેબિન અને મહત્વની ટુર્નામેન્ટ માટે એલઇડી લાઇટ્સ, જેથી રાત્રિ મેચોનું આયોજન શક્ય બનશે આ મેદાન માટે નિર્માણ કાર્ય અંદાજે બે મહિનામાં શરૂ થશે અને આગામી જૂન-2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક વિકાસ કાર્યો તેજ ગતિએ ચાલી રહ્યા છે અને આ પ્રોજેક્ટ ક્રિકેટ પ્રેમી યુવાનો માટે મોટી ભેટ સમાન છે.
