Gujarati News

લેબગ્રોન હીરાના વેપારમાં 6 કરોડની છેતરપિંડી:બે પેઢીઓ પાસેથી લેબગ્રોન ડાયમંડ ઉઘાર લઈ પેમેન્ટ ન ચૂકવનાર બેંગ્લોર સ્થિત ફર્મના પ્રોપરાઇટરની EOW દ્વારા ધરપકડ

Published: November 11, 2025 • Language: English

સુરત, જેને વિશ્વ ડાયમંડ સિટી તરીકે ઓળખે છે, ત્યાં લેબગ્રોન ડાયમંડના વધતા જતા વેપારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાએ હીરા બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોર સ્થિત એક ફર્મના પ્રોપરાઇટરની ધરપકડ કરી છે, જેણે સુરતની બે ડાયમંડ પેઢીઓ પાસેથી રૂપિયા 6,01,09,381ની અધધધ કિંમતના લેબગ્રોન પોલીશ્ડ ડાયમંડ ઉધારમાં ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવીને કરોડોની છેતરપિંડી આચરી હતી. કરોડોના હીરાનો માલ ખરીદી ફૂટી કોડી પણ ન ચૂકવી
આ સમગ્ર મામલો સુરતના ફરિયાદી અને વેપારી કલ્પેશભાઈ કનુભાઈ મોણપરાની ફરિયાદ પર આધારિત છે. કલ્પેશભાઈની માલિકીની બે પેઢીઓ, RAINBOW GEMS અને IRIS GROWN DIAMONDS, પાસેથી આરોપીઓ દિલીપભાઈ ઠાકરશીભાઇ અણઘણ અને રાજીવભાઈ મહિડાએ સિફતપૂર્વક લેબગ્રોન ડાયમંડનો માલ મેળવ્યો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ RAINBOW GEMS પાસેથી 03/07/2023થી 02/10/2023 દરમિયાન 3,23,03,929ની કિંમતના હીરા ખરીદ્યા હતા. IRIS GROWN DIAMONDS પાસેથી 06/06/2023થી 07/02/2023 દરમિયાન 2,78,05,452ની કિંમતના હીરા ખરીદ્યા, કુલ મળીને, કરોડો રૂપિયાનો પોલીશ્ડ લેબગ્રોન ડાયમંડનો જથ્થો ઉધારમાં મેળવ્યા બાદ, આરોપીઓએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાંતલ્લા કર્યા હતા અને આખરે પેમેન્ટ ન કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી, જેના કારણે ફરિયાદીને જંગી આર્થિક નુકસાન થયું હતું. ગુનાના મૂળ સુધી પહોંચવા EOWને તપાસ સોંપાઈ
ગુનાની ગંભીરતાને જોતા આ કેસની તપાસ EOWને સોંપવામાં આવી હતી. EOWએ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને મહાલક્ષ્મી જ્વેલ્સના પ્રોપરાઇટર દિલીપ ઠાકરશીભાઇ અણઘણને મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો. આરોપી દિલીપ ઠાકરશીભાઇ અણઘણ (રહે. સાંતાક્રુઝ, મુંબઈ અને હાલ નવસારી, મૂળ ભાવનગર)નો રહેવાસી છે. EOWએ આરોપીને કોર્ટમાં રજૂ કરીને 13/11/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. EOWનો ઉદ્દેશ્ય રિમાન્ડ દરમિયાન માત્ર ગુનાની કબૂલાત મેળવવાનો નથી, પરંતુ છેતરપિંડી કરીને મેળવેલી કરોડોની રકમ ક્યાં રોકવામાં આવી છે. હીરાનો જથ્થો કોને વેચવામાં આવ્યો છે અને આ નેટવર્કમાં અન્ય કયા વ્યક્તિઓ કે પેઢીઓ સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો છે. ભાડાની દુકાનમાં ‘મહાલક્ષ્મી જ્વેલર્સ’ નામથી વેપાર શરૂ કર્યો
પોલીસ તપાસમાં આ સમગ્ર છેતરપિંડી પાછળની ચોક્કસ મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જે સ્પષ્ટ કરે છે કે આ એક આયોજનબદ્ધ ગુનો હતો. દિલીપ અણઘણ અને સહ-આરોપી રાજીવ મહિડાએ પહેલા સુરતના ભાગળ વિસ્તારમાં ‘ઓરમ જ્વેલર્સ’ નામે ઓફિસ શરૂ કરી હતી. જોકે, તેમની વચ્ચે કોઈ કાયદેસરનો ભાગીદારી કરાર નહોતો અને ઓફિસનો ભાડા કરાર માત્ર દિલીપના નામે હતો. સુરતનો ધંધો બંધ કર્યા બાદ દિલીપે બેંગ્લોર ખાતે સીટી સ્વીટ રોડ પર એક ભાડાની દુકાનમાં ‘મહાલક્ષ્મી જ્વેલર્સ’ નામથી વેપાર શરૂ કર્યો અને તેના પ્રોપ્રાઇટર પોતે બન્યા. દિલીપ RTGS દ્વારા ફરિયાદીને પેમેન્ટ ટ્રાન્સફર કરતો
સહ-આરોપી રાજીવ મહિડા ફરિયાદીને બેંગ્લોર લઈ જઈ દિલીપ સાથે મુલાકાત કરાવતો. મહાલક્ષ્મી જ્વેલર્સના નામે ઓર્ડર આપવામાં આવતા અને 45થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું વચન અપાતું હતું. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે મહાલક્ષ્મી જ્વેલર્સના બેંક એકાઉન્ટમાં રાજીવ મહિડા રોકડ જમા કરાવતો અને દિલીપ RTGS દ્વારા ફરિયાદીને પેમેન્ટ ટ્રાન્સફર કરતો. જોકે, એક ચોક્કસ હદ સુધી માલ મેળવ્યા બાદ, આરોપીઓએ પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું અને કરોડોના હીરાનું મોટું આર્થિક નુકસાન પહોંચાડીને ફરાર થઈ ગયા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, રાજીવ મહિડા વ્હોટ્સએપ પર બીલનો ફોટો મોકલતો હતો અને બીલમાં મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપ્રાઇટર તરીકે પોતે સહી કરતો હતો, જે હકીકત મુખ્ય આરોપી દિલીપ અણઘણના ધ્યાન પર પણ હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપીઓ છેતરપિંડીની યોજનામાં સમાન રીતે ભાગીદાર હતા.

Read more

← Back to Home