ત્રણેય શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારી રૂ. 45,000ની લૂંટ કરી હતી ભાવનગરના દિવાનપરા રોડ પર રહેતા અને કાળાનાળા ખાતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા મુર્તજા હામીદ પર જૂની અદાવત અને જમીન વિવાદના કારણે જીવલેણ હુમલો તથા લૂંટની ઘટના બની હતી જેમાં તેણે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ આધારે ત્રણેય શખ્સોને ઝડપી લઈ ઘટનાસ્થળે લાવી રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદીમુર્તજાએ ગુજ્જરના ચોકની દાંતીયાવાળી શેરીમાં એક પડતર પ્લોટ ખરીદ્યો હતો, જેના પર તેમને મકાન બનાવવું હતું. જેમાં તા.09-11-2025ના રોજ, સાંજે આશરે સવા સાત વાગ્યે તેમણે પ્લોટની માપણી માટે એન્જિનિયર જય જોષીને બોલાવ્યા હતા. જ્યારે જય અને તેમનો મજૂર વિશાલ પ્લોટ પર હાજર હતા, ત્યારે પ્લોટની સામે રહેતા કુમાર ઉર્ફે ભુરો મહેશભાઈ પરમાર, તેના મિત્ર તીખો અને એક અજાણ્યા શખ્સે મળીને મજૂર વિશાલની મોટર સાયકલ કિંમત રૂ.20,000 છરી બતાવીને આંચકી લીધી હતી. આ ઘટનાની જાણ જયએ ફોન દ્વારા મુર્તજાને કરતાં તેઓ તરત જ પ્લોટ પર પહોંચ્યા હતા. મુર્તજાએ ત્યાં હાજર કુમાર ઉર્ફે ભૂરાને પૂછ્યું કે “તમે આ ભાઈની ગાડી કેમ લઈ લીધી છે?” આટલું પૂછતા જ કુમાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મિત્રોને “આને પકડો અને મારો” કહીને હુમલા માટે ઉશ્કેર્યા હતા. કુમાર ઉર્ફે ભૂરાએ લાકડાના ધોકા વડે મુર્તજાના જમણા બાવડા પર ઘા કર્યો હતો. બીજા શખ્સે લાકડાના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો, જ્યારે ત્રીજા અજાણ્યા ઇસમે લોખંડના પાઇપ વડે મુર્તજાના બન્ને પગમાં આડેધડ માર માર્યો હતો. હુમલાખોરોએ માર મારવા ઉપરાંત મુર્તજાના હાથમાંથી સેમસંગ કંપનીનો રૂ.25,000ની કિંમતનો મોબાઇલ ફોન પણ આંચકી લીધો હતો. લોકો ભેગા થઈ જતાં હુમલાખોરોએ “આ અમારા એરિયામાં આવ્યો જ કેમ?” તેમ કહી મુર્તજાને ગાળો આપી અને “હવે પછી અહીં આવ્યો તો જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી હતી. મુર્તજાએ કુમાર ઉર્ફે ભુરો, તીખો અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોટર સાયકલ રૂ.20,000 અને મોબાઇલ ફોન રૂ.25,000 સહિત કુલ રૂ. 45,000ની લૂંટ કરવા બદલ, જીવલેણ હુમલો કરવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ફરિયાદ આધારે ત્રણેય શખ્સોને ઝડપી લઇ ઘટના કરવામાં આવ્યું હતું.