રાજપારડી પોલીસે નવા અવિધા ગામે દારૂનો જથ્થો પકડ્યો:ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીઓ સામે ગુનો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે રાજપારડી પોલીસે દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ. 72,240 નો જથ્થો જપ્ત કર્યો છે અને બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. રાજપારડી પોલીસ સ્ટાફ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જી.આઈ.રાઠોડના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવા અવિધા ગામના મંદીર ફળીયામાં રહેતા સુનીલ બચુભાઈ વસાવા અને રાકેશ દીલીપભાઈ વસાવાએ તેમના રહેણાંક નજીક વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. આ બાતમીના આધારે રાજપારડી પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 180 મિલીની કુલ 336 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 72,240 થાય છે. પોલીસે દારૂનો સમગ્ર જથ્થો કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ બંને આરોપીઓ ફરાર છે અને તેમની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
